Abtak Media Google News

 

અબતક,-દર્શન જોશી,જૂનાગઢ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જૂનાગઢમાં ડો.સુભાષ એકેડેમી ના 45માં લોકસેવા ઉત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ વેળાએ ડો. સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કરી વાર્ષિક ઉત્સવના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હાલની કોરોનાની વૈશ્વિક મહામારીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારતીય પ્રાચીન આયુર્વેદ  ચિકિત્સા સર્વ શ્રેષ્ઠ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશમાં સૌ પ્રથમ વખત આયુષ મંત્રાલયની સ્થાપના કરી ભારતીય આયુર્વેદ પરંપરાને ઉજાગર કરી છે.

મુખ્યમંત્રીએ પેથલજીભાઈ ચાવડા દ્વારા નિર્મિત ડોક્ટર સુભાષ એકેડેમી ક્ધયા કેળવણીની સાથે સાથે વૈજ્ઞાનિક ચિંતન પ્રયોગશીલ અભિગમ સાથે કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પેથલજીભાઇ ચાવડા બાપુજી એ તમામ સંપત્તિનો ઉપયોગ સમાજને શિક્ષિત અને દીક્ષિત કરવા કર્યો છે.

મુખ્યમંત્રીએ લોકસેવામાં રાજ્ય સરકાર હર હંમેશ સંસ્થાઓની સાથે ઉભી છે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, સૌને સાથે રાખીને લોકસહભાગીતા સાથે આપણે લોકસેવાના કાર્યો કરવાના છે. મુખ્યમંત્રીએ સ્વ.પેથલજીભાઈ ચાવડાના ક્ધયા કેળવણીના સેવાયજ્ઞને યાદ કરી તેમણે પ્રગટાવેલી શિક્ષણ સેવાની જ્યોત હવે તેમના પુત્ર જવાહરભાઈ ચાવડા અને તેમનો પરિવાર સુચારૂ રીતે આગળ ધપાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

ડો. સુભાષ એકેડેમીના 45માં લોકસેવા ઉત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર  પાટીલની આરોગ્ય તુલા કરાઈ

ડો.સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલ શરૂ કરાતા આ વિસ્તારના લોકોને આરોગ્ય સેવા મળવાની સાથે અટલ આરોગ્ય રથ થકી જન-જન સુધી શુશ્રુષા થશે તેમ ઉમેર્યું હતું.  આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલની ઔષધી તુલા કરવામાં આવી હતી. આ ઔષધીઓનો ઉપયોગ મેડીકલ કેમ્પ દરમ્યાન લોકો માટે નિ:શુલ્ક કરવામાં આવશે.

જવાહરભાઈ ચાવડા ધારાસભ્યોમાં સૌથી વધુ લોક સેવા કરનારા વ્યક્તિ છે:સી.આર.પાટીલ

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે, ક્ધયા કેળવણીનું સમર્થ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થઇ રહ્યુ છે. ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીએ ક્ધયા કેળવણીને ઉતેજન આપવા, ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા અને દીકરીઓના જન્મ દર વધારવા અભિયાનો હાથ ધર્યા તેની રૂપરેખા આપી ડો.સુભાષ એકેડમીના સંસ્થાપક સ્વ.પેથલજીભાઇ ચાવડાએ ક્ધયા કેળવણી માટેના કરેલા કાર્યોને આવકારી જવાહરભાઇ ચાવડા ગુજરાતના ધારાસભ્યોમાં સૌથી વધું લોકસેવાના કાર્યોમાં જોડાયેલા છે તેમ જણાવ્યુ હતું.

આ પ્રસંગે  જવાહરભાઇ ચાવડાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્ત્રીઓને શિક્ષણ મળવું જોઈએ એ વિચારબીજ સાથે સંસ્થાનો પાયો નંખાયો હતો. સ્ત્રીને શિક્ષણ મળે તો આગામી પેઢી શિક્ષિત બને. જવાહરભાઈ એ હાલ  સંસ્થાની કામગીરી અંગે  જણાવ્યું હતું કે હાલમાં વિવિધ સ્થળોએ 22 યુનિટ કાર્યરત છે. જેમાં 33 ડિગ્રી કોર્સ શરૂ છે. અને 8000 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.  બાપુજી એ સ્થાપેલ શિક્ષણરૂપી યજ્ઞને  આગળ વધારવુ એજ સંસ્થાનું ધ્યેય ને કર્મ છે.

આ પ્રસંગે આહિર સમાજના પ્રથમ આઇપીએસ વિવેક  ભેડા,  પોલીસ વિભાગમાં ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલ વિજેતા નારણભાઈ પંપાણિયા,  ડો.સુભાષ એકેડેમીની વિદ્યાર્થીની જીપીએસસીમાં ઉત્તીર્ણ થનાર માધવીબેન હુંબલ, ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ ડો.અંકિત કાતરીયા તેમજ  માત્ર 7 વર્ષની ઉંમરે બે દિવસમાં 12500 ફુટ કેદાર કાંઠા શિખર કરનાર મૃણાલ આંબલીયાનું મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પ્રભારી વાહન-વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી, ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઇ માલમ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ નવસારીના સાંસદ સી.આર.પાટીલ, જૂનાગઢના સાસંદ રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ, રાજકોટના મેયર પ્રદિપભાઇ ડવ, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરિટભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, મીતાબેન ચાવડા, લોક સાહિત્યકાર માયાભાઇ આહિર સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત અગ્રણીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોનું મોમેન્ટો આપી ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા દ્રવારા સ્વાગત કરાયુ હતુ. ડો. સુભાષ એકેડેમીના ટ્રસ્ટી રાજ ચાવડાએ આભાર વિધિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.