Abtak Media Google News

અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા પીએમનું સ્વાગત

પ્રધાનમંત્રી દ્વારા કોન્ફરન્સમાં સેનાના જવાનોનો જુસ્સો વધારતું સંબોધન

પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ એરફોર્સના હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સંબોધન પણ કર્યું હતું.  ત્યારબાદ હવે તેઓ બપોરે સાડા ત્રણ કલાકે કેવડિયા થી અમદાવાદ માટે રવાના થવાના છે. અને સાડા ચાર કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે.

ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ ગઈકાલે જ કેવડિયા પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને પગલે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.  નર્મદાના કેવડિયા ખાતે યોજાયેલ ડિફેન્સ કોન્ફરન્સનો આજે ત્રીજો દિવસ છે.  જેમાં વડાપ્રધાન મોદી અને ત્રણેય પાંખના વડાએ સેનાના જવાનોનાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના આગવી શૈલીમાં ગુજરાતના ટોપ મિલિટ્રી લીડરશિપની કોન્ફરન્સને સંબોધિત કરી જવાનોનું મનોબળ વધાર્યું હતું. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ આ કોન્ફરન્સ દિલ્હી બહાર યોજવા પર ભાર મૂક્યો હતો. અગાઉ એકવાર આઈએનએસ વિક્રમાદિત્ય પર કોન્ફરન્સ યોજાઈ હતી. દેહરાદૂનની સૈન્ય એકેડેમી અને જોધપુરના એરબેઝ પર પણ કોન્ફરન્સ યોજાઈ હતી. પરંતુ આ વર્ષે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાંનિધ્યમાં યોજાઈ છે.

ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી હંમેશા તેમના માતા હીરા બાને મળતા હોય છે. જોકે, તેમની આજની મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરા બાને ત્યાં સવારે આવવાની શક્યતા નહિવત્ દેખાઈ રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા કેવડિયા હેલિકોપ્ટર માર્ગે ગયા હતા. જોકે, તેમની મુલાકાતની શક્યતાને પગલે હીરા બાના ગાંધીનગર રાયસણ સ્થિત વૃંદાવન બંગલોઝમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે સવારે અમદાવાદ હવાઈ મથક આગમન થતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રતજી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.