Abtak Media Google News
  • અનેક દિગ્ગજ રમતવીરો જેવા કે નીરજ ચોપરા, પીવી સિંધૂ, મીરાબાઈ ચાનુ, ગગન નારંગ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા
  • નેશનલ ગેમ્સનું પ્લેટફોર્મ યુવાનો માટે નવા લોન્ચિંગ પેડનું કામ કરશે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 36માં નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કર્યું હતું.  આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ અનેક મહત્વપૂર્ણ વાતો કરી હતી અને જણાવ્યું હતું કે રમતગમત યુવાનો માટે ખૂબ જ જરૂરી છે અને તે યુવાનોના સર્વાંગી વિકાસમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રથી અનુરાગ ઠાકોર સહિતના મહાનુભાવો અને રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે નેશનલ ગેમ્સને ખુલી મૂકવામાં આવી તેમાં  દેશના 36 રાજ્યોથી 7 હજારથી વધારે એથ્લેટ્સ, 15 હજારથી વધુ પ્રતિભાગીઓ, 35 હજારથી વધુ કોલેજ, યુનિવર્સિટી અને સ્કૂલની સહભાગીતા અને 50 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નેશનલ ગેમ્સ સાથે સીધુ જોડાણ જે થયું છે તે એક અદ્દભૂત સમન્વય છે. નેશનલ ગેમ્સની એન્થેમ ’જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયા’ છે. ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.

વધુમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, જે ચમક નેશનલ ગેમ્સ માટે  શરૂ થઈ છે તે ખેલની દુનિયાના આવનારા સુવર્ણના ભવિષ્યની છે. આ નેશનલ ગેમ્સનું પ્લેટફોર્મ યુવાનો માટે નવા લોન્ચિંગ પેડનું કામ કરશે.  ગુજરાતના લોકોની પ્રશંસા કરતા તેઓએ કહ્યું કે  ઓછા સમયમાં આટલું ભવ્ય આયોજન કરવું તે ગુજરાતનું સામર્થ્ય છે.  અમદાવાદમાં જે રીતે શાનદાર ભવ્ય ડ્રોન શો થયો તે જોઈને તો બધા લોકો આશ્ચર્યમાં છે અને ગર્વથી ભરેલા છે. ટેક્નોલોજીનો આવો ઉપયોગ ડ્રોનની જેમ ગુજરાતને અને ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે. અહીં પહેલા નેશનલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું તેની સફળતાની પણ ઘણી ચર્ચા થઈ રહી છે.

આ તમામ પ્રાયસો માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમની પ્રશંસા કરું છું.થોડા દિવસ પહેલા નેશનલ ગેમ્સનો ઓફિશિયલ મેસ્કોટ ’સાવજ’ પણ લોન્ચ થયો છે. જે ભારતના યુવાનોનો મિજાજ દેખાડે છે. નીડર બનીને મેદાનમાં ઉતરવાનું શીખવાડે છે. વિશ્વમાં ઝડપથી ઊભરી રહેલા ભારતનું પણ પ્રતિક છે. તમે જે સ્ટેડિયમમાં હાજર છો તેની વિશાળતા અને આધુનિકતા પણ એક અલગ પ્રેરણાનું કારણ છે. આ સ્ટેડિયમ તો દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ તો છે જ પરંતુ સાથે જ આ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ઘણી બધી રીતે અલગ છે. સામાન્ય રીતે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ એક કે બે કે ત્રણ રમતો પર કેન્દ્રીત હોય છે પરંતુ આ કોમ્પલેક્સમા ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનિસ જેવી અનેક રમતોની સુવિધા ઉપલબ્ધ છે. આ સમગ્ર દેશ માટે એક મોડલ છે કેમ કે જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ સ્ટાન્ડર્ડનું હોય ત્યારે ખેલાડીઓનું મનોબળ પણ નવી ઊંચાઈએ પહોંચી જાય છે, તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે આપણા તમામ ખેલાડી આ કોમ્પલેક્સના પોતાના અનુભવનો આનંદ માણશે. સૌભાગ્યથી આ સમયે નવરાત્રીનો પાવન ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ગુજરાતમાં મા દુર્ગાની ઉપાસનાથી લઈને ગરબા સુધી અહીંની પોતાની આગવી ઓળખ છે. જે ખેલાડી બીજા રાજ્યોમાંથી આવ્યા છે તેમને હું કહીશ કે રમતની સાથે અહીં નવરાત્રીનો પણ આનંદ માણજો. ગુજરાતના લોકો તમારી મહેમાનનવાજીમાં, તમારા સ્વાગતમાં કોઈ કચાશ રાખશે નહીં. મેં જોયું કે આપણા સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ગરબાનો આનંદ લીધો હતો. ઉત્સવની આ જ ખુશી આપણે ભારતીયોને જોડે છે. એકબીજાનો સાથ આપવા માટે પ્રેરિત કરે છે. હું આ પ્રસંગે તમામ લોકોને ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને ફરીથી નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.