ભારતની આત્મનિર્ભરતાથી ઓતપ્રોત વિકાસ યાત્રા સમગ્ર વિશ્ર્વને ગતિ આપનારી: નરેન્દ્ર મોદી

0
27

સેલિબ્રેટિંગ ઇન્ડિયા ઽ 75 આઝાદી કા અમૃત મહોત્સવ

દેશની ઉપલબ્ધીઓ માત્ર આપણી નથી, પરંતુ આખી દુનિયાને રોશની બતાવનારી છે, માનવતાની આશા જગાવનારી છે. ભારતની આત્મનિર્ભરતાથી ઓતપ્રોત આપણી વિકાસ યાત્રા આખી દુનિયાની વિકાસ યાત્રાને ગતિ આપનારી છે.

પીએમે જણાવ્યું હતું કે, આપણે ભારતીય ચાહે દેશમાં હોઈએ કે પછી વિદેશમાં, આપણે પોતાની મહેનતથી પોતાની જાતને સાબિત કરી છે. આપણને આપણા બંધારણ, લોકતાંત્રિક પરંપરાઓ પર ગર્વ છે. લોકતંત્રની જનની ભારત આજે પણ લોકતંત્રને મજબૂતી આપતા આગળ વધી રહ્યું છે.

દેશની આઝાદીની લડાઈને યાદ કરતા પીએમે જણાવ્યું હતું કે, દેશના આ ગૌરવનું જતન કરવા માટે છેલ્લા છ વર્ષથી સજાગ પ્રયાસ કરાઈ રહ્યા છે. દરેક રાજ્ય, દરેક ક્ષેત્રમાં આ દિશામાં પ્રયાસ કરાઈ રહ્યા છે. દાંડીયાત્રા સાથે જોડાયેલા સ્થળનો પુનરુદ્ધાર પણ બે વર્ષ પહેલા જ કરાયો છે.

દાંડીયાત્રાનો ઉલ્લેખ કરતા પીએમે જણાવ્યું હતું કે, તેનો પ્રભાવ અને સંદેશ પણ એવો જ છે, જે આજે દેશ અમૃત મહોત્સવના માધ્યમથી લઈને આગળ વધી રહ્યો છે. આપણા દેશમાં મીઠાનું મૂલ્ય ક્યારેય તેની કિંમતથી આંકવામાં નથી આવ્યું. આપણે ત્યાં તેનો મતલબ છે વફાદારી, વિશ્વાસ અને વફાદારી. ગાંધીજી આ દર્દને સમજ્યા, અને જન-જન સાથે સંકળાયેલી નાડીને પકડી, અને જોતજોતામાં જ આ આંદોલન દરેક ભારતીયનું આંદોલન બની ગયું, અને દરેક ભારતીયનો સંકલ્પ બની ગયો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારીમાં દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં 81 પદયાત્રીઓ ભાગ લેશે અને 25 દિવસ પછી 5 એપ્રિલના રોજ તેઓ 241 માઇલનું અંતર પગપાળા કાપીને દાંડી પહોંચશે. આ પદયાત્રામાં દાંડી સુધીના માર્ગ દરમિયાન લોકોના અલગ અલગ સમૂહો જોડાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ આ પદયાત્રામાં શરૂઆતના 75 કિલોમીટર સુધી નેતૃત્ત્વ સંભાળશે.

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ દિવસે આ દાંડીયાત્રામાં જોડાશે.આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે માટે આગામી 75 અઠવાડિયા સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ સવારે 10:05 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા. જ્યાં અનેક દિગજજોએ તેઓનું સન્માન કર્યું હતું.

સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ પહોચ્યા હતા. સવારે 10:30થી 12:15 વાગ્યા સુધી તેઓએ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેઓએ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. જેનું લાઈવ ટેલિકાસ્ટ અનેક શહેરોમાં આયોજીત કાર્યક્રમોમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરે 12:50 વાગ્યે કાર્યક્રમ સ્થળથી રવાના થયા હતા અને બપોરે 1:10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા. બાદમાં બપોરે 1:15 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.

ગાંધીઆશ્રમ નજીક આવેલા અભય ઘાટ પર વડાપ્રધાન  મોદીએ સભાને સંબોધન કરી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારે વડાપ્રધાન ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા કરી હતી. ગાંધી આશ્રમના સંપૂર્ણ નવિનિકરણ પ્રોજેક્ટ માટે એક હજારથી બારસો કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે. પીએમ મોદીની એક મહિનામાં બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ કેવડિયા કોલોની ખાતે જોઈન્ટ કમાન્ડની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ ફરી તેઓ ગુજરાત આવ્યા છે. આ કાર્યક્રમમાં મંત્રીઓ અને 81 ગાંધી અનુયાયીઓ પણ જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્મ અંતર્ગત પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાનું પણ પીએમ મોદીએ ફલેગ ઓફ કર્યુ હતું. હાલ ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને જેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલવામા આવ્યો છે. કેન્દ્ર સરકારની ફાઈનલ મંજૂરી બાદ કામગીરી શરૂ કરાશે.

સવારે 10.30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેઓ ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં આવ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ પીએમ મોદીએ માસ્ક ઉતાર્યું હતું. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ સભા સ્થળે જવા રવાના થયા હતા. સભાનો ડોમ હાઉસફૂલ થતા સાણંદ, તલોદ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી અમૃત મહોત્સવમાં ભાગ લેવા આવેલા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. જેને પગલે કેટલાક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસ સાથે બોલચાલી કરી હતી. એક કાર્યકરે કહ્યું કે ધારાસભ્યને ફોન કરો જવા જ નથી દેતા તો અમને આમંત્રણ કેમ આપ્યું હતું. સાબરકાંઠાથી આવેલા 50થી 60 લોકોને અભયઘાટના ગેટથી જ પરત મોકલ્યા હતા. જેને પગલે પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here