કોરોનાને લઈને વડાપ્રધાન મોદી સાંજે તમામ મુખ્યમંત્રીઓ સાથે યોજશે બેઠક

અબતક, નવી દિલ્હી:

કોરોનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. આ ઓનલાઇન બેઠકમાં વડાપ્રધાન તમામ રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી આદેશો આપશે તેવો અંદાજ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,68,063 નવા કેસ સામે આવ્યા છે. જોકે રાહતના સમાચાર એ છે કે સોમવારની સરખામણીમાં 6.5% ઓછા કેસ આવ્યા છે. સોમવારે દેશમાં કોરોનાના 1.79 લાખ કેસ નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 3,58,75,790 કેસ નોંધાયા છે.

તમામ રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપશે

દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 4,461 થઈ ગયા છે ભારતમાં, છેલ્લા 24 કલાકમાં મળી આવેલા કુલ કેસોમાંથી, આ 5 રાજ્યોમાંથી 58.08% નવા કેસ નોંધાયા છે. આ સિવાય એકલા મહારાષ્ટ્રમાં 19.92% કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 277 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં 4,84,213 લોકોના મોત થયા છે.

કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો હોય કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બેઠકોનો ધમધમાટ ચલાવ્યો છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બેઠકોનો દૌર ચલાવ્યો છે.જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે સાંજે 4 કલાકે વર્ચ્યુઅલ બેઠક યોજવાના છે. આ બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓ પાસેથી રાજ્યની સ્થિતિ અંગેની વિગતો મેળવવામાં આવશે. આ સાથે વડાપ્રધાન તરફથી તમામ રાજ્યોને જરૂરી સૂચનો પણ આપવામાં આવશે.