વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે કચ્છમાં

નવા સોલર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી ધોરડોમાં રાત્રિરોકાણ કરે એવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. તેઓ આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે સરહદી જિલ્લા કચ્છમાં રોકાશે. તેઓ ગુજરાતમાં બે દિવસ રોકાશે અને કચ્છમાં સોલર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. છેલ્લા ૩ મહિનાથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અહીં વિવિધ પ્રોજેક્ટનાં ખાતમુહૂર્ત, લોકાર્પણ કરે છે. જ્યારે એક મુલાકાત સમયે વેક્સિનના પરીક્ષણનું નિરીક્ષણ પણ કર્યું હતું

ગયા મહિનાની ૩૦ નવેમ્બરે દેવદિવાળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરવાના હતા, પરંતુ એ કાર્યક્રમને કોઈ કારણોસર મુલતવી રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કોરોનાથી દેશમાં ગંભીર સ્થિતિ વચ્ચે ઝાયડ્સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનનું અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

પરીક્ષણની કામગીરી જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગોદર સ્થિત ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટની ગઈ ૨૮ નવેમ્બરે મુલાકાત લીધી હતી. અહીં કંપનીના ચેરમેન પંકજ પટેલે વડાપ્રધાનને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની માહિતી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોરોના રસીની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.