Abtak Media Google News

૨૭ અને ૨૯ નવેમ્બરે ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ભુજ, જસદણ, ધારી, કામરેજ, મોરબી, પ્રાંચી, પાલિતાણા અને નવસારીમાં સભાઓ ગજવશે

ગુજરાત વિધાનસભાની ૮૯ બેઠકો માટે આગામી ૯ ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સોમવારથી ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં આવી રહ્યા છે. ૨૭ અને ૨૯ નવેમ્બરના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ૮ જાહેરસભાઓ ગજવશે. જેમાં તેઓ ૪૮ મતક્ષેત્રોને આવરી લેશે.

આ અંગે વધુ માહિતી આપતા ભાજપના પ્રદેશ પ્રવકતા ડો.જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૭ અને ૨૯ નવેમ્બર એમ બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. ૯ ડિસેમ્બરે ૮૯ બેઠકોની યોજાનાર ચૂંટણી અંતર્ગત ૮ જાહેરસભા થકી ૪૮થી વધારે મતક્ષેત્રોને આવરી લેશે. ભાજપે વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રવાદની વિચારધારાને સમર્થન આપ્યું છે. આગામી સોમવારે સવારે ૯ કલાકે વડાપ્રધાન કચ્છ ખાતે ભુજમાં જાહેરસભા સંબોધશે ત્યારબાદ બપોરે ૧૧ કલાકે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે, બપોરે ૧ કલાકે અમરેલી જિલ્લાના ધારી ખાતે, ૩ કલાકે સુરત ગ્રામ્યના કામરેજ ખાતે જાહેરસભા ગજવશે. ત્યારબાદ તેઓ દિલ્હી પરત ફરશે. ૨૯મી નવેમ્બરે વડાપ્રધાન ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતમાં આવશે તેઓ ૨૯મીએ સવારે ૯ કલાકે મોરબી ખાતે, બપોરે ૧૧ કલાકે સોમનાથના પ્રાંચી ખાતે, ૧:૩૦ કલાકે ભાવનગરના પાલિતાણા ખાતે અને બપોરે ૩:૩૦ કલાકે દક્ષિણ ગુજરાતના નવસારીમાં જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના ગુજરાત આગમનને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.