Abtak Media Google News
  • બે તબક્કાના મતદાનમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ત્રણ વખત ગુજરાતના પ્રવાસે આવશે: સાત દિવસનું રોકાણ
  • 20મીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ: વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જાહેર સભા, સુરેન્દ્રનગરમાં વિશાળ રોડ-શો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે જોર-શોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે. મતદારોને રિઝવવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજથી જ ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે. દરમિયાન આગામી રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ એક જ દિવસમાં અલગ-અલગ ચાર સ્થળોએ ચૂંટણી સભા સંબોધશે અને સુરેન્દ્રનગરમાં વિશાળ રોડ-શો કરશે. 21મી નવેમ્બરે પીએમ દક્ષિણ ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ચૂંટણી સભાઓ ગજવશે. બે તબક્કાના મતદાનમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન ત્રણ વખત ગુજરાતની મૂલાકાતે આવશે અને સાત દિવસનું રોકાણ કરશે.

રાજ્યભરમાં આજથી ચૂંટણી પ્રચારની કામગીરીને વેગ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, પુરૂસોત્તમભાઇ રૂપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સંગઠનના સહપ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સોમનાથ, સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક અને રાજકોટ પૂર્વ બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે.

દરમિયાન આગામી શનિવારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ત્રણ દિવસનો ગુજરાતનો ચૂંટણી પ્રવાસ શરૂ થઇ રહ્યો છે. જેમાં તેઓ રવિવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકશે. પીએમ રવિવારે વેરાવળ ખાતે એક ચૂંટણી સભા સંબોધી પ્રચાર અભિયાનનો આરંભ કરશે. રવિવારે તેઓ ધોરાજી, અમરેલી અને બોટાદ એમ સૌરાષ્ટ્રમાં કુલ ચાર સ્થળોએ ચૂંટણી સભા ગજવશે. જ્યારે સુરેન્દ્રનગરમાં વિશાળ રોડ-શો યોજાશે. આજે સાંજ સુધીમાં વડાપ્રધાનનો ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવશે.

2017ની ચૂંટણીમાં ભાજપને જ્યાં પરાજય મળ્યો હતો તેવી બેઠકો પર પીએમ વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ચૂંટણી જાહેર થયા પૂર્વે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત ગુજરાતમાં અવર-જવર કરતા હતા. તેઓએ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અબજો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કર્યું હતું અને જાહેર સભાઓ સંબોધી હતી. ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં અસંતોષની આગ ફાટી નિકળી છે. આવામાં ચૂંટણી પરિણામ પર કોઇ અસર ન પડે તે માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કમાન સંભાળી લીધી છે.

બે તબક્કાના મતદાન પૂર્વ વડાપ્રધાન ત્રણ વખત ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં આગામી 19 થી 21 નવેમ્બર દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી સભાઓ સંબોધશે. ફરી પીએમ 28 અને 29 નવેમ્બરના રોજ પ્રચાર માટે ગુજરાતમાં આવશે અને 2 તથા 3 ડિસેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર માટે આવશે. તેઓ સાત દિવસ સુધી ગુજરાતમાં રોકાણ કરશે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવા અને મતદારોમાં ભાજપ તરફી માહોલ બનાવવા વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે.

  • કાલે જે.પી. નડ્ડા, પાટીલ અને ઝડફિયાની રાજકોટમાં ચૂંટણી સભા

Bjp Chief Jp Nadda To Meet Senior Party Leaders In Gujarat Today - The Week

રાજકોટ શહેરમાં આવતીકાલે અલગ-અલગ ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ ઉપાધ્યક્ષની ચૂંટણી સભાઓ યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે શુક્રવારે રાજકોટ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડના સમર્થનમાં સામાકાંઠે પેડક રોડ પર પાણીના ઘોડા પાસે બાલક હનુમાનજીના મંદિર નજીક સાંજે 7 વાગ્યે ચૂંટણી સભા સંબોધશે. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાના સમર્થનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્વામિનારાયણ ચોક ખાતે ચૂંટણી સભા સંબોધશે. જ્યારે રાજકોટ પશ્ર્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહના સમર્થનમાં વિદ્યાકુંજ મેઇન રોડ પર વોર્ડ નં.8માં ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયાની ચૂંટણી સભા યોજાશે.

  • નેતાઓની અવર જવર વધતા રાજકોટ એરપોર્ટ રહેશે વ્યસ્ત

ગુજરાત વિધાનસભાની ચુંટણીના મતદાનમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા હવે પૂર્ણ થતાની સાથે જ પ્રચાર-પ્રસાર પુરજોશમાં શરુ થઇ ગયો છે. ભાજપ- કોંગ્રેસના સ્ટાર પ્રચારકો હવે ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે. આજથી પ્રચારને વેગ મળ્યો છે. આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા રાજકોટમાં ચુંટણી પ્રવાસ માટે આવી રહ્યા છે. જયારે ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી મોરબી જિલ્લામાં ચુંટણી સભા યોજવાના હોય તમામ સીએમના પ્લેન રાજકોટ એરપોર્ટ પર ઉતરે અને ત્યાંથી તેઓ હેલીકોપ્ટર મારફત મોરબી જવા રવાના થાય તેવી સંભાવના જણાય રહી છે. જેના કારણે આવતીકાલથી રાજકોટ એરપોર્ટ પર એર ટ્રાફીક વધશે અને વ્યસ્તતા પણ વધશે.

  • કાલે ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓની મોરબી જિલ્લામાં ચૂંટણી સભા

યુપીના સીએમ યોગી આદિત્યનાથ વાંકાનેરના રાતી દેવડી ગામે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રવાપરમાં જયારે એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મોરબીમાં સભા સંબોધશે 2017 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરના કારણે મોરબી જિલ્લામાં ભાજપનું ખાતુ પણ ખુલ્યું ન હતું. આવતીકાલે ગુજરાત, મઘ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ એમ ત્રણ ત્રણ રાજયોના મુખ્યમંત્રીઓ મોરબી જિલ્લામાં જંગી ચુંટણી સભાઓ ગજવશે. ંટંકારા – પડધરી બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઇ દેથરિયાના સમર્થનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રવા પર ગામે બહુચરાજી માતાજીના મંદિર સામેના મેદાન ખાતે બપોરે 4 કલાકે ચુંટણી સભા સંબોધશે. જયારે મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઇ અમૃતીયાના સમર્થનમાં મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મોરબીના સનાળા રોડ પર આવેલા રત્નકલાના ગ્રાઉન્ડમા ચુંટણી સભા સંબોધશે. જયારે વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી કાલે સવારે 9.30 કલાકે વાંકાનેરના કિરણ સિરામીકના ગ્રાઉન્ડમાં ચુંટણી સભા સંબોધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.