- પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાને નરેન્દ્રભાઇએ પૂછ્યું તમારા પરિવારમાં લગ્ન પ્રસંગ નિર્વિઘ્ને પૂર્ણ થઇ ગયોને?: અન્ય નેતાઓને હાથ જોડીને કર્યા નમસ્કાર
ગત શનિવારથી ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે બપોરે દિલ્હી જતા પૂર્વે હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બે થી ત્રણ મિનિટનું ટુંકુ રોકાણ કર્યું હતું. જ્યાં ગુજરાત ભાજપના નેતાઓ દ્વારા પીએમને મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. નરેન્દ્રભાઇ હેલીકોપ્ટરમાંથી ઉતરી સિધા જ એરફોર્સના પ્લેનમાં બેસી ગયા હતા. એકપણ નેતા સાથે કોઇ વાતચિત કરી ન હતી. એકમાત્ર પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે થોડી વાતચિત કરી હતી.
આજે સાસણથી દિલ્હી જતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હિરાસર એરપોર્ટ ખાતે ટ્રાન્ઝીટ વિઝીટ લીધી હતી. તેઓ નિયત સમયએ જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેઓને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા અને કેસરીદેવસિંહ ઝાલા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા, ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, મેયર નયનાબેન પેઢડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વડાપ્રધાન સાસણથી જે હેલીકોપ્ટરમાં આવ્યા હતા. તેમાંથી ઉતરીને સિધા જ દિલ્હી જવા માટે એરફોર્સના ખાસ પ્લેનમાં બેસી ગયા હતા.
તેઓએ આ ગણતરીની મિનિટોમાં એકમાત્ર પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે થોડી વાતચિત કરી હતી. જેમાં તેઓએ વજુભાઇને પૂછ્યું હતું કે તમારા પરિવારના આંગણે જે લગ્નનો રૂડો અવસર આવ્યો હતો તે નિર્વિઘ્ને પૂર્ણ થઇ ગયોને? જેના જવાબમાં વજુભાઇએ થોડી રમૂજ કરતા નરેન્દ્રભાઇ પણ હસી પડ્યા હતા. જો કે, પ્રધાનમંત્રીએ અન્ય કોઇ નેતા સાથે વાતચિત કરી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓના માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, તેઓ હિરાસર એરપોર્ટ પર ફ્રેશ થવા પણ રોકાયા ન હતા અને સિધા જ દિલ્હી જવા માટે નીકળી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવાર રાતથી વડાપ્રધાન સૌરાષ્ટ્રના મહેમાન બન્યા છે. શનિવારે તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જ્યારે ગઇકાલે સાસણ ગીરમાં રોકાયા હતા અને આજે સવારે સિંહ દર્શન પણ કર્યા હતા. રાજકોટ એરપોર્ટ ખાતે તેઓએ બે થી ત્રણ મિનિટનું ટુંકુ રોકાણ કર્યું હતું.