Abtak Media Google News

પડધરી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલા અને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સહિતના નેતાઓએ કિસાન સંમેલન સંબોધ્યું: રાજ્યમાં કુલ ૧૦ કિસાન સંમેલનોનું આયોજન

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બારડોલી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પંચમહાલના મોરવા હડફ, રાજય કૃષિ મંત્રી આર.સી.ફળદુએ અમરેલીના સાવરકુંડલા તેમજ બનાસકાંઠાના ડિસામાં ગોરધનભાઈ ઝડફિયાએ કિસાન સંમેલનો ગજાવ્યા

પડધરી ખાતે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને કિસાન સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં તેઓએ કૃષિ સુધારા બીલના ફાયદા અંગે ખેડૂતોને વાકેફ કરતા જણાવ્યું હતું કે, કૃષિ સુધારા બીલ એ ખેડૂતોના હિત માટેનો વડાપ્રધાન મોદીનો હિંમતભર્યો નિર્ણય છે અને ખેડૂતોને બધી જ ખબર પડે છે કે ક્યાં બીલ તેમને ફાયદાકારક છે અને નુકશાનકારક છે. ખેડૂતો આ વાતથી વાકેફ હોય એટલા માટે તો આંદોલન બધે ઉપડ્યું નથી. જ્યાં ઉપડ્યું છે તેને હકીકતમાં શું વાંધો છે તે ખબર પડતી નથી.

Ascreenshot 20201217 152008 Whatsapp

દેશનાં ખેડૂત સ્વતંત્ર રીતે ખેત પેદાશો વેચી શકે, વચેટીયાઓથી છૂટકારો મેળવી શકે. ન્યુનતમ ટેકાના ભાવે એમએસપીની વ્યવસ્થા અને સરકાર દ્વારા પણ ખરીદી ચાલુ રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતની આવકને બમણી કરવા સતત પ્રયાસો કરી રહ્યાં છે. કૃષિ સુધારબિલ કિસાનની સ્વતંત્રતા, કિસાનહિત અને કિસાન ઉત્કર્ષ માટે છે. તેનો વધુને વધુ પ્રચાર કરવા માટે કેન્દ્રીય ભાજપે દેશમાં ૭૦૦ પત્રકાર પરીષદો અને ૭૦૦ સ્થાનો ઉપર કિસાન સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ ગુજરાતમાં ૧૦ કિસાન સંમેલનો યોજવાનો નિર્ણય કર્યો છે અને ૧૦ પત્રકાર પરિષદ પણ યોજાશે. આ સંમેલનોમાં પ્રદેશ અગ્રણીઓ, સંસદ સભ્ય, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત ખાતેથી કિસાન સુધારબિલ, કિસાનહિતના નિર્ણયો,યોજનાઓની જનજાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજી હતી.

આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બારડોલી ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ જી.ના મોરવા હડફ, કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમભાઈ રૂપાલ રાજકોટ જી.ના પડધરી, રાજય કૃષિ મંત્રી આર.સી.ફળદુ અમરેલી જી.ના સાવરકુંડલા તેમજ બનાસકાંઠાના ડિસામાં ગોરધનભાઈ ઝડફિયા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને કિસાન હિતકારી નિર્ણયોની માહિતી આપી હતી.

Img 20201217 Wa0054

આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવસારી જી.ના ચિખલી અને તા.૧૯ ડિસેમ્બરના રોજ આણંદ જીલ્લાના કરમસદ ખાતે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છ જી.ના માધાપર, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જૂનાગઢ જીલ્લાના કેશોદ અને કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમભાઈ રૂપાલાજી મહેસાણાના વિજાપુર ખાતેના કિસાન સંમેલનોમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપશે.

આ કિસાન સંમેલનોમાં કૃષિ સુધારબિલ અંગેના મુદ્દાઓની અને ખેડૂતના હિતકારી પગલાંઓની જાણકારી આપવામાં આવશે અને ખેડૂતોમાં ભ્રમ ઊભો કરીને ગેરસમજ દ્વારા ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસ અને ખેડૂતહિત વિરોધી લોકોને ખુલ્લા પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.