સુરતની 10 બેઠકો ફતેહ કરવા વડાપ્રધાનની રત્ન ઉદ્યોગકારો સાથે બેઠક

ટોચના 40 ઉદ્યોગપતિઓ સાથે નરેન્દ્રભાઇ મોદીએ 15 મીનીટ વાતચિત કરી: સી.આર.પાટીલ પણ જોડાયા

ગત વર્ષે યોજાયેલી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું સારૂ એવું જોર જોવા મળ્યું હતું. સુરત કોર્પોરેશનમાં આપ 27 બેઠકો પર વિજેતા બન્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેરની તમામ બેઠકો ભાજપ જાળવી રાખે તે માટે ગઇકાલે મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સર્કિટ હાઉસ ખાતે સુરતના હિરાના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. 15 મીનીટ સુધી વિવિધ મુદ્ાઓ પર વાતચિત કરી હતી.

2017માં વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો જોવા મળી હતી. જેમાં સુરત શહેરના લોકો ભાજપના પડખે અડિખમ રહ્યા હતા અને શહેરની તમામ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા.

સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછારોડ, કરેજ, લિંબાયત, ઉધના, મજૂરા, કતારગામ, સુરત પશ્ર્ચિમ અને ચોર્યાસી બેઠક પર ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની જવાબદારી ફરી એકવાર રત્ન ઉદ્યોગપતિઓને સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલે સુરત શહેરમાં રાત્રિ રોકાણ કર્યુ હતું. તેઓએ મોડી રાત્રે સુરતના 40 હિરાના ટોચના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન આજે સવારે તેઓએ ફરી ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી.