Abtak Media Google News

અખાત્રીજના મુહૂર્તે ધનઐશ્ર્વર્યના પગરણ માટે સોનુ ખરીદવાનો રિવાજ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના 9.5 કરોડ ખેડૂત પરિવારોને ઘરબેઠા ગંગારૂપી ખાતામાં લક્ષ્મીની ભેટ આપી હોય તેમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પી.એમ.કિસાન અંતર્ગત ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી ખેડૂત ખાતેદારોને રોકડ સહાયની યોજનાના આઠમાં હપ્તા રૂપે 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં 19000 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9.5 કરોડ ખેડૂતોને રૂપિયા 2-2 હજાર ખાતામાં જમા કરી 19000 કરોડ રૂપિયા ચપોચપ ખેડૂત પરિવારોમાં વિતરણ કર્યા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના અંતર્ગત 9.5 કરોડ ખેડૂતોને અખાત્રીજનો લાભ આપ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 20 હજાર કરોડથી વધુનો આઠમો હપ્તો બહાર જમાં કર્યા હતાં. આ તકે પીએમ મોદીએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં આ યોજના (પીએમ કિસાન સન્માન નિધિ) હેઠળ દેશના 11 કરોડ ખેડુતો આશરે 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. આમાંથી 60,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ ફક્ત કોરોના સમયગાળા દરમિયાન થયો છે. બંગાળના ખેડૂતોને પહેલીવાર પીએમ કિસાન સન્માન નિધિની સુવિધાનો લાભ મળવાનું શરૂ થયું છે. આજે પ્રથમ હપ્તા બંગાળના લાખો ખેડૂતો સુધી પહોંચી ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના નામ પ્રાપ્ત થતાં લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં વધુ વધારો થશે.

100 વર્ષ બાદ આવી ભીષણ મહામારી ડગલેને પગલે વિશ્વની કસોટી લઈ રહ્યું છે. આપણી સામે એક અદૃશ્ય દુશ્મન છે. આપણે આપણા ઘણા નજીકનાઓને ગુમાવ્યા છે. દેશવાસીઓએ કેટલાક સમય માટે જે સહન કર્યું છે તે જ દુ:ખની અનુભૂતિ કરું છું. કોરોના રોગચાળા સામે લડવાની પ્રતિજ્ઞા લો. દેશની સામે એક અદ્રશ્ય દુશ્મન છે. વૈજ્ઞાનિકો અને સુરક્ષા દળો પડકારો સામે લડી રહ્યા છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે પ્રત્યેક ખેડૂત ખાતેદારના ખાતામાં 6000 રૂપિયાની રકમ 4-4 મહિનાના અંતરે 2-2 હજારના હપ્તે ચૂકવવાની સરકારની યોજના ચાલી રહી છે. ડિજીટલ ઈન્ડિયાની ફલશ્રુતીના પરિણામદાયી કામગીરીરૂપે ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવીને કોઈ વચેટીયા કે, કમિશનીયાનો ખેડૂતોને માર સહન ન કરવો પડે તેવી આ યોજના સમગ્ર વિશ્ર્વ માટે એક આદર્શ ઉદાહરણ બની ગઈ છે. અત્યાર સુધી ખેડૂતોને સન્માન રાશીના રૂપમાં આપવામાં આવતા પૈસામાં કુલ 1.5 લાખ કરોડ રૂપિયા ખેડૂત પરિવારોને સીધા જ તેમના ખાતામાં આપી દેવામાં આવ્યા છે.

દેશના અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના આયોજનમાં કૃષિ અને કૃષિકારની આવક વધારી સધ્ધરતા આપવાના ભાગરૂપે ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા જમા કરાવવાની યોજના બનાવવામાં આવી છે. આજે અખાત્રીજના દિવસે ખેડૂતોના ખાતામાં આ આઠમો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો અને 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં રૂા.19000 કરોડ જમા થઈ જવા પામ્યા છે.

જો તમારા ખાતામાં રકમ ન આવી તો પછી કોઈ પણ પ્રકારની સમસ્યા માટે ખેડૂત પીએમ કિસાન હેલ્પલાઈનથી પણ જાણકારી લઈ શકો છો. પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261 છે. આ ઉપરાંત પીએમ કિસાન ટોલ ફ્રી નંબર 18001155266 અને પીએમ કિસાન લેન્ડલાઈન નંબર 011-23381092, 23382401 પણ છે. પીએમ કિસાન તરફથી વધુ એક હેલ્પલાઈન 0120-6025109 અને ઈમેઈલ આઈડી [email protected] છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.