Abtak Media Google News

36મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ઉત્સાહભેર સંપન્ન: સિનિયર ભાઈઓમાં લાલા પરમારે  57.25 મિનીટમાં, સિનિયર બહેનોમાં પ્રિયંકા

ભૂતે 41.28 મિનીટમાં, જૂનીયર ભાઈઓમાં લલીત નિશાદે  59.23 મીનીટમાં અને જૂનીયર બહેનોમાં પારૂલ વાળાએ  40.53 મીનીટમાં ગિરનાર સર કર્યો

4 લાખથી વધુ લોકોએ અબતકના ડિજિટલ પ્લેટફોર્મ પર ઘરેબેઠા સ્પર્ધા લાઈવ નિહાળી

અબતક દ્વારા ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અબતકના ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુક અને યુટ્યુબ ઉપર 4 લાખથી વધુ લોકોએ આ સ્પર્ધાને ઘરે બેઠા માણી હતી. આ માટે અબતકની ટીમના દર્શન જોશી અને મિલન જોશીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

અબતક,દર્શન જોશી,જૂનાગઢ
36 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત  ગિરનારને સર કરવા 895 સ્પર્ધકોએ દોટ મુકી હતી.

આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં 41.28 મીનીટના સમય સાથે મોરબી ખાતે પોલીસ બેડામાં  ફરજ બજાવતા ભૂત પ્રિયંકા એ મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના વિધાર્થી પરમાર લાલાભાઈએ 57.25 મીનીટના સમય સાથે  ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં 40.53 મીનીટના સમય સાથે પાટણની વિધાર્થીની પારૂલ વાળાએ  પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં બરોડા હાઈસ્કૂલના વિધાર્થી  લલીતકુમાર નિશાદ 59.23 મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.

પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો પશુપાલન અને ગૈા સંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમ, મેયર ધીરૂભાઈ ગોહેલ, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયા, જિલ્લા પુરવઠા અધિકારી ગોવાણી, નાયબ કમિશ્નર લીખીયા, શૈલેષભાઈ દવે, ગીતાબેન પરમાર, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી સાથે અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફથી પ્રારંભ કરાયો હતો. જયારે બહેનોની સ્પર્ધાનો 9 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.

આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં  સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માળીયાહાટીના મિતલબેન ગુજરાતી, તૃતીય ક્રમે વેરાવળના નિશાબેન બામણીયા રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ચિત્રાસરના સોમતભાઈ ભાઈ ભાલીયા, તૃતીય ક્રમે જૂનાગઢના અમિતભાઈ રાઠોડ રહ્યા છે.

જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માંગરોળના રોઝીનાબેન કાથુરીયા, તૃતીય ક્રમે દેલવાડાના હીનાબેન રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ગીરગઢડાના દીપકભાઈ ડાભી અને તૃતીય ક્રમે સુત્રાપાડાના ચેતનભાઈ મેર રહ્યા હતા.

અધિક અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવનાથ સ્થિત મંગલનાથબાપુની જગ્યા પાસેથી આ સ્પર્ધાની શરૂઆત થઇ હતી આ સ્પર્ધામાં કુલ1095 સ્પર્ધકો નોંધાયા હતા. જેમાં 163 ગેરહાજર રહ્યા હતા દરમિયાન હાજર 895 માંથી 668 સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરતાં ક્વોલિફાઇ થયા હતા જયારે 227 ડિસ્કવોલીફાઈડ  થયા હતા

દરમિયાન  ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં દર વર્ષની જેમ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની આગેવાની હેઠળ સર્વોદય બ્લડ બેન્કની ટીમ ખડેપગે રહી હતી. આ ટીમ 1200 પગથીયે, 2200 પગથીયે માળી પરબે, 3400 પગથિયે જૈન દેરાસર અને ચોથી ટીમ અંબાજી ખાતે તૈનાત રહી હતી. આ સિવાય સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો, મેડિકલ સ્ટાફ, જિલ્લા વ્યાયામ મંડળના  શિક્ષકો, મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી.

આ સાથે જિલ્લા પોલીસ વડા રવિ તેજા શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જુનાગઢ પ્રદીપસિંહ જાડેજા, ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ; સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા ભવનાથ ક્ષેત્ર અને અંબાજી સુધી પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે વન વિભાગના કર્મીઓ દ્વારા ગિરનારના પગથિયા ઉપર બંદોબસ્ત ગોઠવાયો હતો.

બપોરે મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટર ભાવનાબેન, ગીતાબેન પરમાર, પૂર્વ મેયર આધ્યાશક્તિ બેન મજમુદાર, ગૌરવભાઈ રૂપારેલીયા મનોજભાઈ જોશી, ગૌરવભાઇ, નાયબ કમિશનર લિખિયા,  સહિતના પદાધિકારીઓ  અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા.આ તકે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા અને પ્રદિપભાઇ ખીમાણીએ તમામ વિજેતા અને સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયે કર્યુ હતું.

જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.

ત્રોફા વહેચનારના પુત્રએ 8મી વખત બાજી મારી

સિનિયર ભાઈઓમાં જૂનાગઢના અશોક શિલાલેખ પાસે ત્રોફા વહેંચનારનો પુત્ર લાલા ચીમનભાઈ પરમાર પ્રથમ ક્રમાંકે રહ્યો હતો લાલાએ 57.25 મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. લાલા પરમાર નેશનલ સ્પર્ધામાં ત્રણ વખત અને સ્ટેટની સ્પર્ધામાં ચાર વખત  ફર્સ્ટ રહ્યો છે. જ્યારે જુનિયર ભાઈઓમાં વડોદરાનો લલિત નિશાદ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમણે 59.23મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. લલિત 2018માં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ત્રીજા નંબર અને નેશનલ સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો હતો.2019માં રાજ્યકક્ષાની નેશનલ કક્ષાની સ્પર્ધામાં સફળ રહ્યો હતો

પાઈપલાઈનમાં ભંગાણ થતા ટ્રેક સુધી પાણી આવ્યું        

સ્પર્ધાના ટ્રેક પર રોપવે તરફના રસ્તા પર પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણી ગીરનાર સ્પર્ધાને ટ્રેક પર આવી પહોંચ્યું હતું. પરિણામે સ્પર્ધકોને પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું હતું.  તો સ્પર્ધા દરમિયાન વારંવાર કૂતરાની દોટા દોટ અને ગાયના આંટાફેરા ચાલુ રહ્યા હતા.

સ્પર્ધામાં અનેક મહાનુભાવોની સુચક ગેરહાજરી

જૂનાગઢ ખાતે સાહસ અને શૌર્ય થી ભરેલી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના નિમંત્રણ પત્રમાં પ્રસિદ્ધ થયેલા ઉપસ્થિત રહેનારા મહાનુભાવોની યાદી મુજબના મોટાભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ન હતા. રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ અધ્યક્ષસ્થાને ઇનામ વિતરણનો કાર્યક્રમ રખાયો હતો .પરંતુ મંત્રી સવારે ફ્લેગ આપ્યા બાદ બાદ ઇનામ વિતરણ વખતે હાજર રહ્યા નહોતા. આ સિવાય  પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમા, ડીડિઓ મિરાંત પરીખ, કમિશનર રાજેશ તન્ના, કલેકટર રચિત રાજ સહિતના મહાનુભાવોની ગેરહાજરી જોવા મળી હતી.

મોરબીના પોલીસ કોન્સ્ટેબલ સતત ચોથી વખત પ્રથમ નંબરે

સિનિયર બહેનોના વિભાગમાં મોરબીની પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકા ભૂત પ્રથમ ક્રમાંકે રહી હતી. તેને 41.20 મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે, મે 4 વખત સ્પર્ધામાં ભાગ લીધો છે. 4 વખત પ્રથમ રહી છું મને પોલીસ સ્ટાફ મોરબી પરિવારનું સતત સપોર્ટ રહ્યો છે તેથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે અને વિજેતા બની છું.   જ્યારે બહેનોના વિભાગમાં જુનિયર બહેનોમાં પ્રભાસ પાટણની પારુલ વાળા પ્રથમ ક્રમાંકે રહી હતી. તેમણે 40 મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. પરુલના  પિતા મૃત્યુ પામ્યા છે.

માતા મરછીની ફેક્ટરીમાં મજુરી કરવા જાય છે ત્યારે પારુલ ઘરની જવાબદારી નિભાવે છે અને માતા સાથે  કામમાં પણ જાય છે.  કારણ કે, પરિવારમાં 1 બહેન  અને 1 ભાઈ છે. બહેનધોરણ 12માં અભ્યાસ કરે છે અને ભાઈ ધોરણ 5 મા અભ્યાસ કરે છે ત્યારે ઘરનું ગુજરાત તેમજ ભાઈ-બહેનના અભ્યાસનો ખર્ચ કાઢવા પારુલને મજૂરી પણ કરવી પડે છે. અને સરકારી ભરતી ની પણ તૈયારી કરે છે જેથી સરકારી નોકરી મળી જાય તો ઘરમાં માતા ને આર્થિક મદદ અને ભાઈ-બહેનને વધો અભ્યાસ કરાવી શકે.ફ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.