વિકાસ તરફી જનાદેશ: છ કોર્પોરેશનમાં ભાજપને જંગી લીડ

રાજ્યની છ મહાનગરપાલિકાઓની ૫૭૬ બેઠકો પૈકી ૨૬૫ બેઠકોની મત ગણતરીમાં ૧૯૦ બેઠકો પર ભાજપ, ૫૦ બેઠકો પર કોંગ્રેસ

અને ૨૫ બેઠકો પર અન્ય આગળ: તમામ મહાપાલિકામાં જંગી બહુમતિ સાથે ભાજપ સત્તારૂઢ થાય તેવા સ્પષ્ટ આસાર

સુરતમાં ચોંકાવનારા પરિણામોની સંભાવના: કોંગ્રેસ કરતા આપ અને અન્ય રાજકીય પાર્ટીના ઉમેદવારોને લીડ

અમદાવાદમાં ભાજપ ૬૫, કોંગ્રેસ ૯ બેઠકો પર, સુરતમાં ભાજપ ૪૪, કોંગ્રેસ ૮ બેઠકો પર, રાજકોટમાં ભાજપ ૨૮ અને કોંગ્રેસ ૬ બેઠક પર, વડોદરામાં ભાજપ ૨૪, કોંગ્રેસ ૪, જામનગરમાં ભાજપ ૨૩, કોંગ્રેસ અને અન્ય ચાર-ચાર બેઠકો પર અને ભાવનગરમાં ભાજપ ૨૫ અને કોંગ્રેસ ૪ બેઠકો પર આગળ: ભાજપના કાર્યકરોમાં જશ્ર્નનો માહોલ

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓના ૧૪૪ વોર્ડની ૫૭૬ પૈકી ૫૭૫ બેઠકો માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી અલગ અલગ સ્થળોએ મત ગણતરી ચાલી રહી છે. જેમાં ગુજરાતની જનતાએ ફરી એક વખત વિકાસની રાજનીતિને સ્પષ્ટ જનાદેશ આપ્યો હોય તેવા આસાર મળી રહ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાપાલિકામાં ભાજપ જંગી બહુમત સાથે ફરી સત્તા સંભાળે તેવા સ્પષ્ટ આસાર મળી રહ્યાં છે. હાલ ૫૭૬ બેઠકો પૈકી ૨૬૫ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ ૧૯૦ બેઠકો પર, કોંગ્રેસ ૫૦ બેઠકો પર અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટી અને અપક્ષ ઉમેદવારો ૨૫ બેઠકો પર આગળ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન એવા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. કારણ કે સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો લીડ કરી રહ્યાં છે. રાજકોટમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે ૩૩ બેઠકોની મત ગણતરી હાલ ચાલુ છે. જેમાં ૨૬ બેઠકો પર ભાજપ, ૬ બેઠકો પર કોંગ્રેસ અને ૧ બેઠક પર અન્ય પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ફરી મેદાન મારી જાય તેવું લાગી રહ્યું છે.

રાજ્યની છ મહાપાલિકા માટે ગત રવિવારે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ ૪૫.૬૪ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનનો સીનારીયો ૨૦૧૫ જેવો જોવા મળ્યો હતો. પરિણામ પણ ૨૦૧૫ જેવું જ રહે તેવા સ્પષ્ટ આસાર મળી રહ્યાં છે. રાજ્યની તમામ ૬ મહાનગરપાલિકામાં ભાજપ જીતનો ચોગ્ગો ફટકારે તેવું લાગી રહ્યું છે. હાલ ૨૪૧ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ ૧૮૦ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ૪૦ બેઠકો પર અને અન્ય ૨૧ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જામનગર મહાપાલિકામાં વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૫માં ભાજપની પેનલ વિજય બની છે. જ્યારે ભાવનગરમાં વોર્ડ નં.૭ અને ૧૧માં ભાજપની પેનલની જીત થઈ છે.

અમદાવાદની બહેરામપુરા વોર્ડમાં એઆઈએમઆઈએ આગળ ચાલી રહ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર દેખાઈ રહ્યું છે. સુરતની ૧૨૦ બેઠકો પૈકી હાલ ૫૪ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ ૩૨ બેઠકો પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી ૧૨ બેઠકો પર લીડ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ ૧૦ બેઠકો પર આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્ષોથી ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.૧૦માં ભાજપના ચારેય ઉમેદવાર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા અને ડો.રાજશ્રીબેન ડોડીયાની જીત જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.૭માં પણ ભાજપના ઉમેદવાર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુકલ, વર્ષાબેન પાંધી અને જયશ્રીબેન ચાવડા તોતીંગ લીડ સાથે આગળ ચાલી રહ્યાં હોય તેઓની જીત પણ ફાઈનલ માનવામાં આવી રહી છે. વોર્ડ નં.૧માં ભાજપના ઉમેદવાર દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા, હિરેનભાઈ ખીમાણીયા અને અલ્પેશભાઈ મોરજરીયા પણ જંગી લીડ સાથે આગળ છે. વોર્ડ નં.૪માં પણ ભાજપને લીડ પ્રાપ્ત થઈ રહી છે. વોર્ડ નં.૧૩ કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાગર પોતાના હરીફ ઉમેદવારથી આગળ ચાલી રહ્યાં છે. હાલ શહેરની ૩૩ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ ૨૬ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ છ બેઠકો પર લીડ કરી રહ્યું છે અને અન્ય એક બેઠક પર આગળ ચાલી રહ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકાના ૪૪ વોર્ડની ૧૯૨ બેઠકો પૈકી ૮૪ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે જેમાં ભાજપના ઉમેદવારો ૬૧ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ૧૬ બેઠકો પર અને અન્ય પાર્ટીના ઉમેદવારો ૬ બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાની ૧૨૦ બેઠકો પૈકી ૫૬ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે જેમાં ભાજપના ઉમેદવારો ૩૨ બેઠકો પર, કોંગ્રેસના ૨૦ બેઠકો અને આમ આદમી પાર્ટી સહિતના અપક્ષ ઉમેદવારો કુલ ૧૪ બેઠકો પર પોતાના હરીફ ઉમેદવારોથી આગળ ચાલી રહ્યાં છે. રાજકોટ મહાનગરપાલિકામાં હાલ મત ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપના ઉમેદવારો ૨૬ બેઠકો પર, કોંગ્રેસના ઉમેદવારો ૬ બેઠકો અને અન્ય પાર્ટીના ૧ આગળ ચાલી રહ્યાં છે. વડોદરા મહાનગરપાલિકાની ૭૬ પૈકી ૨૬ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે. જેમાં ૨૨ બેઠકો પર ભાજપ અને ચાર બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠકો પૈકી ૨૮ બેઠકોની મત ગણતરી હાલ ચાલી રહી છે. જેમાં ૨૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો લીડ કરી રહ્યાં છે. ચાર બેઠકો પર કોંગ્રેસ અને ચાર પર અન્ય પક્ષ આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાની ૫૨ બેઠકો પૈકી ૨૪ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે. જેમાં ૨૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે અને ચાર બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. સુરતમાં ચોંકાવનારા પરિણામો મળે તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ કરતા આપ અને અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોને વધુ બેઠકો પ્રાપ્ત થાય તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ માત્ર ૧૦ બેઠકો પર લીડ કરી રહ્યું છે જ્યારે અન્ય પાર્ટીના ઉમેદવારો ૧૪ બેઠકો પર આગળ છે.

રાજ્યની તમામ ૬ મહાનગરપાલિકામાં ફરી એક વખત ભાજપ જંગી લીડ સાથે સત્તા પર આવે તેવું હાલ લાગી રહ્યું છે. બપોરે ૧ વાગ્યા સુધીમાં મોટાભાગની તમામ બેઠકોના પરિણામો આવી જશે તેવું લાગી રહ્યું છે. તમામ મહાપાલિકામાં મત ગણતરીના સ્થળો પર સામાન્ય માથાકૂટ થવા પામી હતી. જેમાં રાજકોટમાં ભાજપના કદાવર નેતા કશ્યપભાઈ શુકલ મત ગણતરીના સ્થળે કમળના નિશાનવાળુ માસ્ક પહેરી જતા થોડી રકઝક થઈ હતી. આ ઉપરાંત વોર્ડ નં.૪,૫ અને ૬માં બેલેટ પેપરના સીલ ખુલ્લા હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકરોને મત ગણતરીના સ્થળેથી બહાર કાઢવામાં આવતા ભારે હોબાળો સર્જાયો હતો.