- સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જિલ્લાઓમાં કાર્યભાર સંભાળતા પૂર્વે મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ૨૦૨૪ની બેચના ગુજરાતને ફાળવાયેલા ૮ યુવા પ્રોબેશ્નરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ પ્રોબેશ્નરી IAS અધિકારીઓ રાજ્યના ખેડા, અમરેલી, કચ્છ, રાજકોટ, ભરૂચ, તાપી, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક માટે ફાળવવામાં આવ્યા છે. પોતાને ફાળવાયેલા જિલ્લાઓમાં ફરજરત થતાં પહેલા આ અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશ્નરી IAS અધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસના રોલ મોડલ રાજ્ય એવા ગુજરાતમાં જન સેવાની તેમને જે વિશિષ્ટ તક મળી છે તેને અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા આ યુવા અધિકારીઓ પોતાનુ સંપુર્ણ યોગદાન આપીને ઉજાગર કરશે એવો તેમને વિશ્વાસ છે.
આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, વહિવટી સુધારણા અને તાલિમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લ અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતાં.