Abtak Media Google News

ભંગારમાંથી મળેલા રેકોર્ડ ભલે વાવડીનો ન હોય પણ સરકારી રેકોર્ડ હોવાના લીધે લેનાર અને વેચનાર સામે પણ ગુનો દાખલ કરાવાય તેવા કલેકટરે આપ્યા સંકેતો : કાર્યવાહી સંદર્ભે કલેકટર પોલીસ કમિશનર પાસેથી રિપોર્ટ મંગાવશે

વાવડીનો મહેસુલી રેકોર્ડ ગુમ થવાના પ્રકરણમાં એવું ધ્યાને આવ્યું હતું કે અન્ય સરકારી રેકોર્ડ પસ્તીમાં આપી દેવાયો હતો.  ભંગારમાંથી મળેલા રેકોર્ડ ભલે વાવડીનો ન હોય પણ સરકારી રેકોર્ડ હોવાના લીધે લેનાર અને વેચનાર સામે પણ ગુનો દાખલ કરાવાય તેવા કલેકટરે સંકેતો આપ્યા છે.

રાજકોટની વાવડી ગ્રામ પંચાયતનો વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી ગયા બાદ તેનો મહેસુલી રેકોર્ડ મહાનગરપાલિકાના કબ્જાવાળી ઓફિસમાં રાખવામાં આવ્યો હતો. જેમાં હક્કપત્રકના સાધનિક કાગળો સહિતનો કિંમતી રેકોર્ડ ગુમ થઈ જવાનો બનાવ તાજેતરમાં સામે આવ્યો હતો. જો કે આ બનાવ બાદ પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

આ બનાવને પગલે જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. પ્રાંતે તપાસ પૂર્ણ કરી કલેક્ટરને રિપોર્ટ સોંપ્યા બાદ કલેકટરે તલાટીને સસ્પેન્ડ કર્યો હતો. જો કે આ બનાવમાં હજુ સુધી પોલીસ તપાસમાં શુ બહાર આવ્યું તે કઇ પણ જાહેર કરવામાં આવ્યુ નથી.

બીજી તરફ મહેસુલી રેકોર્ડ ગુમ થવાનું પ્રકરણ ઉજાગર થયું તુરંત જ જ્યાંથી ગુમ થયું તેની બાજુમાં જ આવેલા એક નાલા પાસે તેમજ ભંગારના ડેલામાંથી સરકારી કાગળો મળી આવ્યા હતા. જો કે આ સરકારી કાગળ વાવડીનો રેકોર્ડ ન હોવાનું પ્રાંત અધિકારીએ તૈયાર કરેલા રિપોર્ટમાં પણ જણાવાયું હતું.

ભંગારમાંથી સરકારી કાગળ મળી આવવા તે બનાવ નજરઅંદાજ કરી શકાય તેવો નથી. ભલે આ રેકોર્ડ વાવડીનો ગુમ થયેલો રેકોર્ડ નથી પણ સરકારી રેકોર્ડ તો છે. એટલે હવે આ સરકારી રેકોર્ડ પસ્તીમાં લેનાર અને વેચનાર સામે કાર્યવાહી તોળાઈ રહી હોવાનો જિલ્લા કલેકટરે અંદેશો આપ્યો છે. આમ પસ્તીમાં વેચનાર અને ખરીદનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે જિલ્લા કલેકટર પોલીસ કમિશનર પાસેથી વાવડી મામલે રિપોર્ટ પણ મંગાવશે.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.