રાજકોટમાં કુખ્યાત હકુભા ખીયાણી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

હત્યા,હત્યાની કોશિષ, હથિયાર, ધાક-ધમકી, જુગાર હથિયાર અને માલમિલ્કત પચાવી પાડવી સહિત અનેક ગુનામાં ટોળકી પોલીસ ચોપડે ચડી ચૂકી

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરની વધુ એક સંગઠીત ટોળકી સામે કરીલાલ આંખ: સામાજીક કાર્યોના ઓઠા હેઠળ ગુના આચરતા શખ્સો સહિત ૧૧ શખ્સો સામે કરી કડક કાર્યવાહી

શહેરમાં સંગઠીત થઈ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગની શાન ઠેકાણે લાવવા પોલીસ કમિશ્નરે દુધની ડેરી વિસ્તારની ભીખુ ઉર્ફે રાઉમાની ગેંગ બાદ ભીસ્તીવાડની કુખ્યાત ગેંગના ૧૧ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા લુખ્ખાઓમાં ફફાટ મચી જવા પામ્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત રાજય સરકાર દ્વારા ગુન્હેગારો સામે કડક હાથે કામગીરી કરવા કાયદામાં સુધારો કરી સંગઠીત થઈ સમાજમાં ભય ફેલાવી ખંડણી, જમીન પચાવી પાડવી જેવા ગંભીર ગુના આચરતી ટોળકી સામે ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

શહેરની શાંતી હણતા કુખ્યાત શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે હત્યા, હત્યાની કોશિષ, મારામારી, હથીયાર, ધાક ધમકી, એટ્રોસીટી, જુગાર અને દારૂ જેવા ગંભીર પ્રકારનાં ગુનાઓ આચરી ભીસ્તીવાડ વિસ્તારમાં પોતાનું સામરાજય ઉભી કરી સમાજમાં ભય પેદા કરી લોકોની માલ મિલ્કત પચાવી પાડતા કુખ્યાત એજાજ ઉર્ફે ટકો અકબર ઉર્ફે ખીયાણી, મીરજાદ અકબર ઉર્ફે હકુભા મીયાણી, સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી, મજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાંચ, ઈમરાન જાનમાહમદ મેણુ, રીયાઝ ઈસ્માઈલ દલ, રીઝવાન ઈસ્માઈલ દલ, યાસીન ઉર્ફે ભૂરો ઓસમાણ કઈડા, શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખા ઉર્ફે બાબુ જુણેજા, માજીદ રફીક ભાણુ અને મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણી સહિત ૧૧ શખ્સો સામે ગુજસીટોક કલમ હેઠળ ગુનો નોંધી તેથી બે થી વધુ શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. એજાજ ઉર્ફે ટકો ખીયાણી અને તેના ભાઈ મીરજાદ સામે હત્યાની કોશિષ અને મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.માજીદ રફીક ભાણુ અને મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણીએ ગત કાલે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. સેવાના ઓઠા હેઠળ ગેરકાયદે ધંધા કરતો ઈમરાન જાન માહમદ મેણુ ક્રિકેટ સટ્ટાનો કાળોકારોબાર ચલાવે છે. ભીસ્તીવાડ વિસ્તારમાં એજાજ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણીએ ગેંગ ઉભી કરી ધાક ધમકીઓ આપી શહેરમાં અશાંતિનું વાતાવરણ ઉભુ કરી ખંડણક્ષ હત્યા, ખૂનની કોશિષ, ક્રિકેટ સટ્ટા અને માલમિલ્કત પચાવી પાડવા સહિત અનેક ગુનાઓ નોંધાયા છે પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી છે.

ગુજસી ટોક હેઠળ સૌરાષ્ટ્રમાં છઠ્ઠો ગુન્હા નોંધાયા

ગુજસી ટોક હેઠળ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં છ જેટલા ગુન્હા નોંધી પોલીસે ગુંડાઓ અને ગેંગસ્ટરોની કમર તોડી નાખી છે. ગુજરાતમાં ગુન્હાખોરી ને કાબુમાં લેવા વર્ષ ૨૦૧૫માં રાજય સરકાર દ્વારા ગુજરાત કંન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગુજસી ટોકની રચના કરી ગુન્હાખોરો સામે ગુજસી ટોકનો દંડો ઉગામતા સૌરાષ્ટ્રમાં છ જેટલા ગુન્હા નોંધાયા છે. જેમાં સૌ પ્રથમ અમરેલીમાં નામચીન લેડી ડોન સોનુ ડાંગર સામે ત્યારબાદ રાજકોટમાં ભીખુ ઉર્ફે લાલો રાઉલની ગેંગ સામે જામનગરનાં ભૂમાફીયા જયેશ પટેલ સામે સુરેન્દ્રનગરમાં નામીચી ડોડીયા ગેંગ સામે ગોંડલ નિખીલ દોંગા ગેંગ સામે અને ગઇકાલે રાજકોટના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકો ઉર્ફે હકુભા શીયાણી સામે ગુજસી ટોક હેઠળ ગુન્હો નોંધાયો છે.

ફોજદાર ઉપર હુમલો કરનાર બે શખ્સો સામે ગુજસી ટોકનો કંસજા

પ્ર.નગર ના ડી સ્ટાફના પીએસઆઇ કે.ડી. પટેલ જમાદાર વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુબલ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીની તપાસમાં કુવાડવા પાસે વોચમાં હતા ત્યારે મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણી તથા માજીદ રફીક ભાણુ બસમાંથી ઉતર્યા હતા. આ બન્ને વિરુઘ્ધ અગાઉ પ્ર.નગર પોલીસમાં ધાક ધમકી અને ગાળો આપવાનો ગુન્હો નોંધાયો હોય, વોચમાં રહેલા પીએસઆઇ કે.ડી. પટેલ અને સ્ટાફે હાજર થવાનું કહેતા મુસ્તફા એ દલીલો કરી હોય પોલીસે તેને પકડવા કોશીષ કરતા મજીદ સાથે મળીને પોલીસ સાથે ઝપાઝપી કરી બન્ને ભાગ્યા હતા અને થોડે દુર જઇ મુસ્તફાએ પથ્થરનો ઘા કરતા પીએસઆઇ પટેલને માથામાં લાગતા ઇજા થઇ હતી. પોલીસે બન્નેનો ફીલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધા હતા અને કુવાડવા પોલીસ મથકના બન્ને વિરુઘ્ધ ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પ્ર.નગર પોલીસમાં નોંધાયેલા ગુનામાં મજીદ ની ધરપકડ થઇ હતી. જયારે મુસ્તફાના હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મંજુર થયા હતા. જે અંગે પોલીસમાં હાજર થવાનું હતું પણ હાજર થયો ના હતો.