સાબરકાંઠા જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝને લઈને પ્રતિબંધિત હુકમ

અબતક, સંજય દિક્ષીત,ઈડર

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળેલ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં પણ લમ્પી સ્કીન ડીસીઝ નામના રોગના હાલની સ્થિતિએ 15 જેટલા કેસો નોંધાયા છે. લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ વાયરસ થકી એક પશુથી બીજા પશુઓમાં ઝડપથી ફેલાઈ છે આ રોગનો ચેપ પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ફેલાઈ શકે છે લમ્પી સ્કીન ડીસીઝના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારના કૃષિ,ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા વાયરસના સંક્રમણને પશુઓમાં ફેલાતો અટકાવવા માટે કેટલાક નિયંત્રણો જાહેર કર્યા છે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર હિતેષ કોયા દ્વારા જાહેરનામુ બહાર પાડેલ છે

જેમાં જિલ્લામાં અન્ય રાજ્યો કે અન્ય જિલ્લાઓમાં કે અત્રેના જિલ્લાના એક તાલુકામાંથી બીજા તાલુકામાં કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા ઉપર પ્રતિબંધ. પશુઓના વેપાર,પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એક કરવાના થતા હોય તેવા તમામ આયોજનો ઉપર પ્રતિબંધ ફરમાવેલી છે.