- મહિલાઓ માટેની અનેકવિધ યોજનાઓ થકી મહિલા – દીકરીઓ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સહાયરૂપ બની રહ્યો છે.
- મહિલાઓના પ્રોટેક્શન સહિત સહાય આપવા માટે અનેકો યોજનાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવી રહી છે.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર(મહિલા સહાયતા કેન્દ્ર
આ સેન્ટર દ્વારા મહિલા તરફી (નારીવાદી) અભિગમ દાખવવામાં આવે છે, જેમાં પારિવારિક હિંસા અને અન્ય પારિવારિક સમસ્યાઓથી પીડિત મહિલાની જરૂરીયાત અને તેની ઈચ્છાને પ્રાધાન્ય આપવા સાથે પીડિત મહિલામાં આત્મ સન્માન, સ્વ–યોગ્યતા અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઘરેલુ હિંસા અને અન્ય મહિલા અત્યાચારના કિસ્સામાં પોલીસ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી તથા અન્ય સંબંધિત સરકારી એજન્સી અને હિતધારકો સાથે સંકલન સાધીને કામગીરી કરવામાં આવે છે.
દાહોદ જિલ્લાની વાત કરીએ તો (1) એ. ડિવીઝન ટાઉન પોલીસ સ્ટેશન, દાહોદ (2) ઝાલોદ પોલીસ સ્ટેશન, બાંસવાડા રોડ, ઝાલોદ (3) પોલીસ ઇન્સ્પેકટરની કચેરી, ધાનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર આવેલા છે ત્યાં બહેનોને તમામ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે.
181 મહિલા અભયમ હેલ્પલાઈન:
આ હેલ્પલાઈનની મદદ કોઇપણ કન્યા, યુવતી કે મહિલા લઇ શકે છે. મહિલાને મદદ કરવા કોઇપણ પુરૂષ પણ આ સેવાનો ઉપયોગ કરી શકે છે, રાજ્યમાં હિંસાનો ભોગ બનેલી અન્ય રાજ્યની મહિલા આ સેવાનો ઉપયોગ કરી શકે છે. મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક તેમજ કામના સ્થળે જાતિય સતામણી), લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતિય સતામણી, છેડતી અને બાળ જન્મે લગતી બાબતો (સ્ત્રીભૃણ હત્યા) કાનૂની જોગવાઈઓ, સાયબર ગુનાઓ (ટેલીફોનિક ટોકીંગ, ચેટીંગ, એસ.એમ.એસ. ઇન્ટરનેટ), સરકારી કાર્યક્રમ, યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાઓ અંગેની પ્રાથમિક માહિતીના ઉપયોગ થકી આ સેવા આપવામાં આવી રહી છે, જેના માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
“સખી” વન સ્ટોપ સેન્ટર (OSC):
સખી વન સ્ટોપ સેન્ટરનો મુખ્ય હેતુ કોઇપણ હિંસાનો ભોગ બનેલ મહિલાને તાત્કાલિક તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરામર્શની 6 થી વધુ પ્રકારની સેવા એક જ છત્ર હેઠળ પુરી પાડવી. ‘સખી‘ વન સ્ટોપ સેન્ટરમાં જાહેર, ખાનગી, કુટુંબ કે સામાજીક સ્થળ પર હિંસાનો ભોગ બનેલ મહિલા, કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ વિસ્તાર કે પરણિત, અપરણિત, શિક્ષિત–અશિક્ષિત કે ઉંમરના ભેદભાવ વગર તમામ પ્રકારની મહિલાઓ લાભ લઇ શકે છે.
‘સખી‘ વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલીંગ, પોલીસ સહાય, કાયદાકીય સહાય, તબીબી સહાય જેવી સહાય આપવામાં આવે છે. દાહોદમાં ‘સખી‘ વન સ્ટોપ સેન્ટર (OSC), પહેલો માળ, વિશ્રામગૃહની સામે, સરકારી ટેકનીકલ સ્કુલ, દાહોદ ખાતે આવેલું છે. જ્યાં તમામ સેવાઓ નિશુલ્ક આપવામાં આવે છે.
ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન:
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે જિલ્લા કક્ષાએ “ડિસ્ટ્રિકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન” યોજના અમલમાં મુકેલ છે. ડિસ્ટ્રિકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) એ એવુ એકમ છે, જેના દ્વારા સરકારની વિવિધ સેવાઓ, કાર્યક્રમો, યોજનાઓ કૌશલ્ય વિકાસ, રોજગારી, ડિજિટલ, સાક્ષરતા, આરોગ્ય અને પોષણ માટેની તકો અંગેની માહિતી અને કાર્યક્રમો ગ્રામ્ય સ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોચાડવામાં આવે છે, જેથી કરીને મહિલાઓ સશક્ત બની શકે.
આ ઉપરાંત ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અમલી કાર્યક્રમો અને યોજનાઓ જેવી કે “બેટી બચાવો બેટી પઢાઓ“, વન સ્ટોપ સેન્ટર, મહિલા હેલ્પ લાઇન, મહિલા પોલીસ સ્વયં સેવકો, સ્વધાર, ઉજ્જવલા વગેરે સહિત રાજ્ય સ્તરની મહિલાલક્ષી કાર્યક્રમો, યોજનાઓ અંગેની માહિતી અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ આપતો અધિનિયમ–2005:
ઘરેલુ હિંસા એટલે શું ?
ઘરેલુ હિંસામાં ઘરની વ્યક્તિ અથવા ઘરેલું સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા મહિલા પર થતી કોઈપણ પ્રકારની શારિરીક, જાતિય, શાબ્દિક, માનસિક, ભાવનાત્મક, આર્થિક વગેરે પ્રકારની હિંસાનો સમાવેશ થાય છે.
ઘરેલું હિંસાના કાયદા હેઠળ કોણ મદદ લઇ શકે ?
ઘરેલું હિંસાના કાયદા હેઠળ પારિવારિક સંબંધોમાં રહેતી પુત્રી, બહેન, માં, પત્ની, વિધવા, લગ્ન વગરના સંબંધોથી રહેતી મહિલાઓ કાનુની મદદ મેળવી શકે છે.
કાયદા હેઠળ પીડીત મહિલાને મળતી રાહતો
સુરક્ષા અંગેનો હુકમ, રહેઠાણ અંગેનો હુકમ, નાણાંકીય રાહત અને ભરણ પોષણનો હુકમ, બાળકના કબજા અંગેનો હુકમ, વળતર અંગેનો હુકમ, વચગાળા અંગેનો હુકમ જેવી રાહતો મળવાપાત્ર હોય છે.
ઘરેલું હિંસાના કાયદા હેઠળ મદદ અને ફરીયાદ માટે કોનો સંપર્ક કરવો?
ડિસ્ટ્રીકટ પ્રોટેકશન ઓફિસર, વિવિધલક્ષી મહિલા કેન્દ્ર/સર્વિસ પ્રોવાઇડર (દરેક તાલુકા અને જિલ્લા), લગત જિલ્લા અને તાલુકા કક્ષાની નામદાર કોર્ટમાં તેમજ વધુ જાણકારી માટે ડિસ્ટ્રીકટ પ્રોટેકશન ઓફિસરનો સંપક કરી શકાય છે.
કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતિય સતામણી:
(અટકાયત, પ્રતિબંધ, ફરિયાદ નિવારણ અધિનિયમ 2013)
મહિલાઓ કામ કરતી હોય તેવું કોઇપણ સ્થળ દા.ત. સંસ્થા, વિભાગ, ફેકટરી, કચેરી, રહેઠાણ, શાળા–કોલેજ, હોસ્પિટલ, ખેલકૂદનું સ્થળ, પરિવહન સેવા, 10 થી ઓછા કામદારો હોય તેવા અસંગઠિત ક્ષેત્રમાં જો મહિલાઓને કોઇપણ પ્રકારની જાતીય સતામણી જેવી કે, શારિરીક સ્પર્શ અથવા છેડછાડ/છુટાછેડા, જાતિય માંગણી અથવા વિનંતી, જાતિય ટિપ્પણી/શબ્દોનો પ્રયોગ/સાંકેતિક ભાષામાં અશ્લીલત વ્યક્ત કરવી, અશ્લીલ સાહિત્ય, એમ.એમ.એસ. બતાવવા, જાતિય પ્રકારનું મહિલાને સ્વીકૃત ન હોય તેવું કોઈપણ શારીરીક, શાબ્દિક કે સાંકેતિક વર્તન.
જાતિય સતામણીને લગતા કૃત્ય/વર્તનના પરિપ્રેક્ષ્યમાં નોકરી કે હોદ્દો માટે પસંદગીનું વચન કે લાલચ, નોકરી કે ધંધામાં નુકશાની કે ફાયદાની લાલચ કે ધમકી, કામમા હસ્તક્ષેપ, કામમા સગવડો આપવી અથવા અડચણો ઉભી કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. જેમાં જાતિય સતામણીનો ભોગ બનેલ મહિલા જાતીય સતામણી કરનાર આપેલ પૈકી કોઇપણ સામે ફરીયાદ કરી શકે,
સંસ્થા/કચેરી–એકમના વડા કે સહ–કામદાર
સેવા આપતા એકમના ગ્રાહકો, એકમના ભાગીદાર/મુલાકાતીઓ અને સંસ્થાકીય /કચેરી/એકમની કામગીરી માટેના મુસાફરી સમયે વાહન ચાલક
આંતરિક ફરીયાદ સમિતિ
તમામ કચેરીએ મહિલા અધિકારીના અધ્યક્ષ સ્થાને આંતરિક ફરિયાદ સમિતિની કરજીયાત રચના કરવી અને તેની વિગતો જાહેર સ્થળે મૂકવી જોઈએ. કચેરીના સામાજીક અથવા કાયદાકીય જાણકારી ધરાવતા ઓછામાં ઓછા ૨ કર્મચારી/કામદારોની સભ્ય તરીકે નિમણુંક કરવી. બિન સરકારી સંગઠનના ૧ સભ્ય કે જે મહિલાના હિતના રક્ષણ માટે સક્રિય હોય તેમજ સમિતિના ૫૦ ટકા સભ્યો મહિલા હોવા જોઈએ.
સ્થાનિક ફરીયાદ સમિતિ
જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક ફરિયાદ સમિતિ જિલ્લા સ્તરે રચવામાં આવે છે જેમાં અધ્યક્ષ તરીકે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અગ્રણી મહિલા હોવા જોઈએ.બિન સરકારી સંગઠનના ૧ સભ્ય કે જે મહિલાના હિતના રક્ષણ માટે સક્રિય હોય. સમિતિના ૫૦ ટકા સભ્યો હોવા જોઇએ, મહિલાને ફરીયાદ કરવામાં મદદ કરવાની કચેરીના વડાની ફરજ હોવી જોઇએ.
સ્થાનિક ફરિયાદ સમિતિ
જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક ફરિયાદ સમિતિ જિલ્લા સ્તરે રચવામાં આવેલ છે જેમાં અધ્યક્ષ તરીકે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અગ્રણી મહિલા રહેશે. અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓ, ૧૦ થી ઓછા કાર્યકરો/કામદારે હોય તેવી કચેરી/એકમની મહિલા આ સમિતિ સમક્ષ ફરીયાદ કરી શકે, સ્થાનિક ફરીયાદ સમિતિ વિશે વધુ માહિતી માટે મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકાય
જાતિય સતામણી માટેની ફરીયાદ
ભોગ બનેલ મહિલાએ છેલ્લા બનાવના ૩ માસમાં લેખિત આંતરિક કરીયાદ સમિતિને ફરીયાદ કરવી, શારીરિક અથવા માનસિક અશક્તિના કારણોસર ફરીયાદ કરવા અશમર્થ હોય તેવી પરિસ્થિતિમાં મહિલાના વારસદાર ફરીયાદ કરી શકશે.
SHE – Box
– ઓનલાઇન ફરીયાદ વ્યવસ્થાપન પ્રણાલી
– જો તમે કાર્યસ્થળ પર જાતીય સતામણીનો સામનો કરી રહ્યા છો
– સેકસ્યુલ હેરેસમેન્ટ ઇલેક્ટ્રોનિક બોક્ષ (SHe-Box) એ ભારત સરકારનો એક પ્રયાસ છે, જેનો પ્રયાસ દરેક મહિલાને સિંગલ એકસેસ દાન કરવાનો છે, પછી ભલે તેના કામની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, પછી ભલે તે સંગઠિત, ખાનગી અથવા જાહેર ક્ષેત્રમાં કામ કરતી હોય, જેથી જાતીય સતામણી સાથે સંબંધિત ફરિયાદની નોંધણીની સુવિધા મળી શકે. કાર્ય સ્થળ પર જાતીય સતામણીનો સામનો કરી રહેલી કોઇપણ મહિલા આ પોર્ટલ દ્વારા તેમની ફરીયાદ નોંધાવી શકે છે.
એક વખત (SHe-Box) ને ફરીયાદ સુપરત કરવામાં આવે તે પછી તેની સીધી જ સંબંધીત ઓથોરીટીને મોકલવામાં આવે છે, જેથી જેનો અધિકાર ક્ષેત્ર હોય અને તેઓ બાબતમાં પગલાં લઇ શકે.
(Website: shebox.wcd.gov.in પર ફરિયાદ કરી શકાય છે.)
દહેજ પ્રતિબંધક અધિનિયમ–૧૯૬૧
– દહેજ એટલે શું?
લગ્નના એક પક્ષકાર તેમના માતા–પિતા અથવા બીજી કોઈ વ્યક્તિને લગ્નના બીજા પક્ષકાર તેમના માતા–પિતા અથવા બીજી કોઇ વ્યક્તિને લગ્ન વખતે અથવા તે પહેલા અથવા લગ્ન પછી ગમે ત્યારે સદરહું પક્ષકારોના લગ્ન માટેના અવેજ તરીકે સીધુ કે આડકતરી રીતે આપેલી અથવા આપવા કબુલેલી મિલકત અથવા કિંમતી જામીનગીરી.
દહેજ આપવા અથવા લેવા માટેની શિક્ષા
કોઈપણ વ્યક્તિ દહેજ આપે અથવા લે અથવા આપવાન કે લેવાનું દબાણ કરે તો તેવી વ્યક્તિને પાંચ વર્ષથી ઓછી નહી તેવી અને રૂા. 15,000 (પંદર હજાર પુરા) સુધીના દંડ સાથેની અથવા દહેજની રકમ જેટલી એ બંનેમાંથી જે વધુ હોય તેટલા દંડ સાથેની સજા કરવામાં આવશે.
દહેજની માંગણી કરવા માટેની શિક્ષા
કોઈપણ કિસ્સામાં નવવધુ અથવા વરરાજાના માતા પિતા અથવા અન્ય સગાઓ પાસેથી સીધી કે આડકતરી રીતે કોઈ દહેજની માંગણી કરે તો તેને છ (6) મહિનાથી ઓછી નહી પરંતુ બે (2) વર્ષ સુધીની કેદ અને રૂા. 10,000/- (અંકે રૂપિયા દસ હજાર પુરા) સુધીનો દંડ કરવામાં આવશે.
વિશેષ જોગવાઈ
કોઇપણ વ્યક્તિ વર્તમાન પત્ર–મેગેઝીન અથવા માધ્યમ દ્વારા પોતાની મિલ્કતનો હિસ્સો, કોઇપણ રકમ પોતાના અથવા સગા–સંબંધીના પુત્ર કે પુત્રીના લગ્નના અવેજ તરીકે જાહેરાત કરે, પ્રસિધ્ધ કરે અથવા વેચે તો તે વ્યક્તિને છ (6) મહિનાથી પાંચ (5) વર્ષ સુધીની કેદ અથવા રૂપિયા 15,000/- (અંકે રૂપિયા પંદર હજાર પુરા) સુધીની દંડની સજા કરવામાં આવશે.
વ્હાલી દિકરી યોજનાનો ઉદ્દેશ
- – દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
- – દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવો
- – દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સંક્તિકરણ કરવું.
- – બાળ લગ્ન અટકાવવા.
લાભાર્થીની પાત્રતા
- – તા. 2–8–2019 કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- – દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
- – વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભાર્થી દિકરીના જન્મથી એક વર્ષની અંદર ફોર્મ ભરવાનું રહેશે.
- – અપવાદરૂપ કિસ્સામાં બીજી–ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબના એક કરતાં વધારે દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- – બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઇઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતિઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે એક સમાન રૂ. 2,00,000/- કે તેથી ઓછી હોવી જોઇએ આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31 માર્ચના રોજ પુર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.
મળવાપાત્ર લાભ
- – પ્રથમ હપ્તો–દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે.
- – બીજો હપ્તો–નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- ની સહાય મળવાપાત્ર થશે.
- – છેલ્લો હપ્તો–18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ રૂ. 1,00,000/- ની સહાય પરંતુ દિકરીના બાળલગ્ન ન થયેલ હોવા જોઇએ.
- વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી/ગ્રામ પંચાયત વીસી/જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએથી વિના મૂલ્યે મળી રહેશે.
- વ્હાલી દિકરી યોજનાની અરજી ઓનલાઇન ગ્રામ્ય કક્ષાએથી વીસીઈ દ્વારા અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીથી ઓનલાઈન કરવાની રહેશે.
બેટી બચાવો, બેટી પઢાઓ
વસ્તી ગણતરી 2011 મુજબ ભારતમાં 0 થી 18 વર્ષના વયમાં પ્રતિ 1000 દિકરાઓ એ દિકરીઓ ની સંખ્યા 986 છે.
લગભગ બધા જ ભારતીય સમૂહમાં સશક્ત સામાજિક તથા સાંસ્કૃતિક પૂર્વગ્રહ, પુત્ર અને પુત્રી પ્રત્યે ભેદભાવ જ સમગ્ર સમસ્યાના મૂળમાં છે. દહેજના સામાજિક ધોરણો, પિતૃસત્તાત્મક વિચારસરણી, અંતિમ વિધિઓમાં પુત્રને મહત્વ, પુત્રને વારસાગત સંપતિમાં વિશેષ આવકાર લિંગ આધારિત ભેદભાવ અને હિંસા માટે કારણભૂત છે નિદાનને લગતા તબીબી સાધનો પરિક્ષણ સરળતાથી અને ઓછા ખચે ઉપલબ્ધ હોવાથી આ સમસ્યા વધુ વકરે છે.
- દિકરીના જન્મને વધાવીએ અને ઉત્સવ તરીકે ઉજવીએ.
- આપણે દિકરીઓ પર ગર્વ કરીએ અને પારકી થાપણની માનસિકતાનો વિરોધ કરીએ.
- દિકરા અને દિકરી વચ્ચે સમાનતાને પ્રોત્સાહન આપીએ.
- બાળલગ્ન અને દહેજ પ્રથાનો મક્કમતાથી વિરોધ કરીએ.
- કરીઓને શાળામાં પ્રવેશ અપાવી અને તેના શિક્ષણને ચાલુ રાખીએ.
- પુરુષો અને છોકરાઓની જાતિગત રૂઢીવાદી વિચારધારાને પડકારીએ
- આપણે આસપાસના વિસ્તારને મહિલાઓ અને દિકરીઓ માટે સુરક્ષિત અને હિંસા મુક્ત રાખીએ અને હિંસા વિરૂદ્ધ અવાજ ઉઠાવીએ.
- મહિલાઓને સંપત્તિમાં સમાન અધિકાર અને સમર્થન આપીએ.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
નિરાધાર ગંગા સ્વ. સન્માનપૂર્વક જીવી શકે અને તેમનું સમાજમાં યોગ્ય પુનરાવર્તન થઇ શકે તેવા હેતુથી નિરાધાર સહાય યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ ૧૯૭૯ થી અમલી બનાવવામાં આવેલ છે.
જે મહિલાના પતિનું અવસાન થયું હોય અને અવસાન થયા બાદ તે સ્ત્રીને કોર્ટ દ્વારા અથવા તેના સ્વ. પતિના કુટુંબ (સાસરાપક્ષ) તરફથી કોઈપણ પ્રકારની ખાધા ખોરાકી/ભરણપોષણ કોઈ એવી મિલ્કત મળી ન હોય કે જેનાથી તે પોતાનુંભરણપોષણ કરી શકે.
પાત્રતાના ધોરણો
- – 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિગધાર ગંગા સ્વરૂપા
- – મહિલા પોતાની મિલ્કતમાંથી કુલ આવકમાંથી ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક 1,20,000/- અને શહેર વિસ્તાર 1,50,000/- થી વધુ ના હોવી જોઈએ.
- ગંગા સ્વ.સહાય યોજના હેઠળ મળવાપાત્ર પેન્શન સહાય
- ગંગા સ્વ. મહિલાઓને આર્થિક રીતે સહાયરૂપ બનવા માટે વિધવા લાભાર્થીને દર મહિને રૂા. 1250/- ની આર્થિક સહાય તેમના રાષ્ટ્રીયકૃત બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે.
- ગંગા સ્વ. સહાય યોજના માટેની અરજીપત્રક કયાંથી મેળવવી. ગંગા સ્વ સહાય યોજના અંગેના અરજાપત્રકો તમારા વિસ્તારની સંબંધિત મામલતદાની કચેરી પરથી વિના મૂલ્યે મેળવી શકાશે તેમજ જમા કરાવી શકાશે.
- આકસ્મિક જૂથ વીમા યોજના અંતર્ગત ગંગા સ્વ. બહેનોને 1 લાખની સહાય આપવામાં આવે છે. જેના માટે ગ્રામ્ય કક્ષાએથી વીસીઇ દ્વારા અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગંગા સ્વ રૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના
યોજનાના હેતુ
- – ગંગા સ્વરૂપા મહિલાઓ પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન આણવું
- – મળવાપાત્ર લાભગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત રૂ. 25,000/-ની આર્થિક સહાય પુનઃલગ્ન કરનાર ગંગા સ્વરૂપા મહિલાના ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવશે. તેમજ રૂ. 25,000/- ની રકમના રાષ્ટ્રીય બચતપત્રો (NSC) એમ કુલ રૂ. 50,000/-ની સહાય આપવામાં આવશે.
લાભાર્થીની પાત્રતા
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર 18 થી 50 વર્ષની ઉંમરની પુનઃલગ્ન કરનાર ગંગા સ્વરૂપા મહિલા આ યોજનાનો લાભ લઈ શકશે.
પુનઃ લગ્ન થયે થી 6 માસની અંદર અરજી કરવાની રહેશે. જેના માટે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહિલા સ્વાવલંબન યોજના
5 જાન્યુઆરી 1996થી અમલમા આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. આ યોજના હેઠળ આર્થિક પ્રવૃત્તિ માટે મહિલાઓને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે.
યોજનાના ઉદ્દેશ્ય
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ના મેમોરેન્ડમ ઓફ આર્ટીકલ્સમાં મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરીયાત મુજબની સવલતો/સહાય તાલીમ આપી મહિલા વર્ગનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાના ઉદ્દેશ્યમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સંકલિત પ્રવૃત્તિઓની ઝડપભેર અમલ કરવાની ઉદ્દેશ્ય સમાવિષ્ટ છે.
પાત્રતા
શહેરી વિસ્તારમાં જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. 1,50,000/- સુધી તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1,20,000/- સુધીની હોય તેવી 18 થી 65 વર્ષની કોઇપણ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.