Abtak Media Google News

ગેસ્ટ હાઉસ, બહુમાળી બિલ્ડીંગ, ઔધોગિક એકમ મોટા ધાર્મિક સ્થળોએ સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત

શહેરમાં આતંકવાદી બનાવો બનતાં અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરેટ વિસ્તારમાં તા.31/102022 સુધી બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, સોના, ચાંદી અને ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્ટર, કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશદ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબદ્ધ સિક્યોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવાના આદેશો જારી કર્યા છે.

પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ પાર્કીગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં ગેઈટ વાઈઝ સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્તાવાળા વધુ રેન્જના (માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે.

તથા બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્પષ્ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્શન કાઉન્ટર, બેઝમેન્ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી.ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત 24 કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે.

સી.સી.ટી.વી. કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિદ્ધિથી દિન-7માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.