Abtak Media Google News

જમીનના અંદાજે 1200 પ્રતિ મી. ભાવ રહે તેવી શક્યતા, ભાવ નક્કી થયા બાદ સરકારમાં દરખાસ્ત કરાશે

અબતક, રાજકોટ : અમુલ માટે ગઢકા નજીક પસંદ કરવામાં આવેલી જમીનના જંત્રી દર જ ન હોવાથી તંત્ર દ્વારા જંત્રી ભાવ નક્કી કરવા માટે સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેકટરને દરખાસ્ત કરવામાં આવી છે. એક અંદાજ મુજબ આ ભાવ રૂ. 1200 પ્રતિ મી. રહે તેવી શકયતા છે. આ ભાવ નક્કી થયા બાદ સરકારમાં દરખાસ્ત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

વિશ્વ વિખ્યાત અમુલ ડેરીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ભૂપગઢ ગામની 100 એકર જમીન પસંદ કરી છે. આ માટે તેને જિલ્લા કલેકટરને દરખાસ્ત પણ કરી હતી. અગાઉ જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. હવે આ જમીનની પસંદગી રદ કરીને અમુલ દ્વારા ગઢકા ગામ નજીક 100 એકર જમીન પસંદ કરી છે.

વધુમાં કલેકટર તંત્રમાંથી મળતી વિગત અનુસાર ગઢકા ગામ આસપાસની જમીનના જંત્રી દર ન હોય તંત્ર દ્વારા કલમ 33 મુજબ ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટીને ભાવ નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જે મુજબ હવે સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર જંત્રી દર નક્કી કરીને જમીનના ભાવ જાહેર કરશે. ત્યારબાદ કલેકટર તંત્ર દ્વારા આ જમીન સંદર્ભે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.

અગાઉ ગયા વર્ષમાં પટેલ સમાજને નજીકના વિસ્તારમાં રૂ. 1100 પ્રતિ મી.ના ભાવે જગ્યા આપવામાં આવી હતી. જેથી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમુલને આ જગ્યા અંદાજે 1200 આસપાસના ભાવે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.

હાલ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 10 જેટલી દૂધ મંડળીઓ દરરોજ 30 લાખ લિટર જેટલું દૂધ એકઠું કરે છે અને તે પૈકી ફક્ત 15 લાખ લિટર જ દૂધ, દહીં, છાસ અને ઘી બનાવવા માટે વાપરી શકે છે. જ્યારે બાકીનું 15 લાખ લિટર દૂધ ગાંધીનગર ડેરીમાં મોકલવામાં આવે છે. જ્યાં GCMMF આ દૂધનો ઉપયોગ અમૂલ બ્રાન્ડ નામ હેઠળ જુદી જુદી દૂધની બનાવટો બનાવવા જેવી કી શ્રીખંડ, આઈસક્રીમ, ચોકલેટ, ચીઝ, બટર અને સ્કિમમ્ડ મિલ્ક પાઉડર બનાવવા માટે કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.