Abtak Media Google News

પર્યાવરણને બચાવવામાં સૌથી મોટી અને અગત્યની ભૂમિકા હોય તો એ ગીધ પક્ષીની છે કારણ કે ગીધ પક્ષી એ પર્યાવરણના સફાઈ કામદારો છે. પરંતુ ગીધની વસ્તી ચિંતાજનક રીતે સતત ઘટી રહી છે અને તેને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્રારા ગીધના રક્ષણ માટેનો એક્શન પ્લાન અમલમાં મૂકીને સૌરાષ્ટ્રમાં વસતા ત્રણ પ્રજાતિના અને યાયાવર ગીધને સોલર ઉર્જાથી સંચાલિત ટેગ લગાવીને તેના ઉપર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

આ રિસર્ચ અંતર્ગત શિયાળાની ઋતુમાં બહારથી આવતા બે ગીધો પૈકી એક હિમાલયન ગ્રીફન ગીધનું સાસણ ગીર ખાતે સફળતાપૂર્વક ટેગીંગ કરવામાં કામગીરી કરવામાં આવ્યું હતું. જ્યારે આ અગાઉ બે સફેદ પીઠ ધારી ગીધ, ત્રણ ગિરનારી ગીધ અને એક રાજ ગીધ એમ કુલ ૬ ગીધને ટેગિંગ કરવામાં આવ્યા હતા.

દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર  હવે ખાસ શિયાળાની ઋતુમાં જ પરદેશથી આવતાં ગીધ ઉપર ટેગિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં હવે યુરેશિયન ગ્રિફન અને ઇજિપ્તયન ગીધ ઉપર ટેગિંગ કરવામાં આવનાર છે.

ગિધને કોઈ તકલીફ ના પડે તે માટે ટેગની એક ખાસ પ્રકારની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે, જે પક્ષીઓના આકારના પ્રમાણમાં અનુકૂળ અને સપ્રમાણ વજનની બનાવવામાં આવી છે, પક્ષીઓના વજનના પ્રમાણમાં ટેગનો વજન રાખવામાં આવે છે જેનાથી તે સફળતાપૂર્વક ઉડાન ભરી શકે છે.

વન વિભાગમાંથી મળેલ વિગતો મુજબ આ ટેગિંગની મદદથી ગીધના સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, ખોરાકના સ્થળો, પ્રવાસના માર્ગો, ચોક્કસ ઊંચાઈઓ, રાતવાસના અને પ્રજનનના સ્થળો તેમજ તેના વ્યાપ વિસ્તાર અંગેની ઊંડાણપૂર્વકની અને વૈજ્ઞાનિક માહિતી મળશે જે મહત્વની સાબિત થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.