જૂનાગઢની 100 વર્ષ જુની આ હાઇસ્કૂલને બંધ કરવા સામે વિરોધ વંટોળ

વિરાસત ફાઉન્ડેશનની શિક્ષણ મંત્રીને રજૂઆત: સરકાર શાળાનું સંચાલન કરી 

શકતી ન હોય તો ધીરૂભાઇ અંબાણીના પરિવારને સંચાલન સોંપી દેવુ જોઇએ

જૂનાગઢની 100 વર્ષ જૂની અને જ્યાં દેશના ટોચના ઉદ્યોગપતિ સ્વ. ધીરૂભાઇ અંબાણીથી લઇને હાલના શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ધીરૂભાઇ ગોહેલે જ્યાં અભ્યાસ કર્યો છે તેવી વિવેકાનંદ હાઇસ્કૂલને બંધ કરવાના સરકારે કરેલા નિર્ણયને શરમ જનક ગણાવી આ મામલે સત્વરે યોગ્ય કરવા વિરાસત ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ દ્રારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે વિરાસત ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ હરીશભાઇ દેસાઇએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવી જણાવાયું હતું કે, શાળા બંધ કરવા પાછળ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોવાનું એક બહાનું છે જયારે આપના પક્ષના સભ્યો અન્ડર ટેબલ ડોનેશન લે છે અને શાળા ધોમધોકર ચલાવે છે. ત્યારે સરકાર ખાનગી શાળા સંચાલકોને ફાયદો થાય તે માટે મદદ કરી રહી હોય તેવું લાગી રહયું છે.

જો સરકાર શાળા સંચાલન કરી શકતી ન હોય તો આ શાળા ધીરૂભાઇ અંબાણીના પરિવારે સોંપી દેવી જોઇએ. સરકાર વિરાસત સાચવવાના બદલે વિરાસત નષ્ટ થાય તેવા પ્રયાસો કરી રહ્યી છે તેવું લાગી રહયું છે જે ખૂબ દુ:ખદ કહી શકાય.