Abtak Media Google News

સે યસ ટુ લાઇફ, નો ટુ ડ્રગ્સ

નશાબંધી લગતા ગુન્હાઓને અટકાવવા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજી

નાર્કોટીકસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકવવા માટે કાર્યરત કેન્દ્રના તથા રાજયના અલગ અલગ વિભાગો અને એજન્સીઓ પરસ્પરના સંકલનમાં રહી સંયુકત રીતે કામ કરી શકે તે માટે “નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટર-એનકોર્ડ”  કમિશનરેટ વિસ્તારની કમીટીની મીટીંગ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

નશાબંધીને લગતા ગુન્હાઓ અટકાવવા પ્રતિબધ્ધ રાજકોટ શહેર પોલીસે જનજાગૃતિ અર્થે કરેલી કામગીરીની સમિક્ષા બેઠકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કરી હતી. નશીલા પદાર્થો તથા માદક દ્રવ્યોના સેવનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે જન જાગૃતિ કાર્યક્રમો મારફત સંબંધિત વિભાગો દ્વારા કરવાની થતી જુદી જુદી પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી હતી.

ઈન્ટરનેટના માધ્યમ થકી માદક દ્રવ્યોનાં સેવનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે યુવા વર્ગમાં વધુમાં વધુ જાગૃતિ આવે તથા નશાનું સેવન કરતા અટકે અને “”Say yes to life, No to Drugs”” કહેતા થાય તે માટે જરૂરી તમામ પ્રયત્નો કઈ રીતે કરી શકાય તે માટે આ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા નશીલા પદાર્થો તથા માદક દ્રવ્યોની કામગીરી, જુદી જુદી કોલેજો શાળાઓમાં કરવામાં આવેલા અવેરનેસ કાર્યક્રમોની માહિતી પણ આ તકે પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

આ તકે નાયબ પોલીસ કમિશનર ડો. પાર્થરાજસિંહ ગોહિલએ ઉપસ્થિત તમામ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ મિટિંગમાં નાયબ પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર પૂજા યાદવ, એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેટર જે.ડી.ઝાલા, ડી.વાય.એસ.પી.  આર.બી.ઝાલા, પ્રાંત અધિકારીઓ કે.જી.ચૌધરી અને સંદીપ વર્મા, ખેતીવાડી અધિકારી એ.એલ. સોજીત્રા, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, તોલમાપ અધિકારી જે.એચ.આડેસરા, ડ્રગ ઈન્સ્પેકટર તેજલ મહેતા સહિતના સંબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.