રાજકોટ: જન આરોગ્ય સાથે ચેડાં: બિસવીન અને બિસ્ટર મિનરલ વોટરના નમૂના ફેઇલ

ધારા ધોરણ કરતા એરોબિક માઇક્રો બાયલનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવ્યું

શહેરમાં એકપણ ખાદ્ય સામગ્રી સંપૂર્ણપણે શુદ્વ મળતી ન હોય તે પ્રકારનું ચિત્ર ઉપસી રહ્યું છે. તમામ પ્રકારની ખાદ્ય સામગ્રીમાં બેફામ ભેળસેળ થતું હોય તેવું પ્રતિદિન પ્રકાશમાં આવી રહ્યું છે. મિનરલ વોટરના નામે વેંચાતા પીવાના પાણીમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા નમૂના ફેઇલ જાહેર થયા છે. બિસવીન મિનરલ વોટર અને બિસ્ટર મિનરલ વોટરમાં નિયત કરાયેલા ધારા ધોરણ કરતા વધુ માત્રામાં એરોબિક માઇક્રો બાયલનું પ્રમાણ મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના મવડી મેઇન રોડ પર બ્રિજની બાજુમાં નાગરિક બેંકની સામે શૈલેષભાઇ મનસુખભાઇ ભૂતની માલિકીની બિસવીન બેવરજીસમાંથી બિસવીન પેકેઝ્ડનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ધારા ધોરણ કરતા વધુ એરોબિક માઇક્રો બાયલનું પ્રમાણ મળી આવ્યું હતું. આ ઉપરાંત મહાદેવ વાડી મેઇન રોડ પર મારૂતિ કૃપા નામના મકાનમાં આવેલા જગતભાઇ ગણેશભાઇ માતરીયાની માલિકીના મેક્સ બેવરજીસમાંથી બિસ્ટર પેકેઝ્ડ ડ્રિંકીંગ વોટર એન્ડ એડેડ મિનરલ્સનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પણ ધારા ધોરણ કરતા ઇસ્ટ એન્ડ મોલ્ડ અને એરોબિક માઇક્રો બબલનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવ્યું હતું. નમૂનો સબ સ્ટાર્ન્ડડ જાહેર થયો છે.

ખાણીપીણીના 23 વેપારીઓને નોટિસ 30 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

કોર્પોરેશનની ફૂડ શાખાની ત્રણ ટીમો દ્વારા શહેરના મણીનગર મેઇન રોડ, કોઠારીયા રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, મવડી મેઇન રોડ, કૃષ્ણનગર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 23 પેઢીઓને નોટિસ આપવામાં આવ્યું હતું અને 30 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. આદિનાથ નાસ્તા ગૃહ, ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, સિતારામ ડેરી, મનિષ સ્વીટ માર્ટ અને જય દ્વારકાધીશ સિઝન સ્ટોર્સમાંથી અખાદ્ય ખોરાક અને દાઝ્યુ તેલ મળી આવ્યું હતું. જેનો નાશ કરવામાં આવ્યો છે.