જેતપુર પાસે ટ્રકની પાછળ સ્કોડાકાર ઘુસી ગયા બાદ હાઈવે પર દારૂની સરાજાહેર લૂંટ

પોલીસ ઘટના સ્થળે પહોચી ત્યારે કારમાંથી માત્ર 22 બોટલ હાથ લાગી; હાઈ-વે પર ચેકિંગ કરતા બે બોટલની ચોરી કરી નાસી રહેલા બે શખ્સો ઝડપાયા

જેતપૂરના મોટાગુંદાળા પાસે નેશનલ હાઈવે પર ટ્રકની પાછળ દારૂ ભરેલી સ્કોડા કાર અથડાયા બાદ કાર રેઢીમૂકી ચાલક નાશી છૂટયા બાદ વાહન ચાલકો અને રાહદારીઓએ દારૂ લેવા પડાપડી કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોચી ત્યારે પોલીસ માટે માત્ર 22 બોટલ દારૂ બચ્યો હતો. જે કબજે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્યા બાદ પોલીસે હાઈવે પર ચેકીંગ શરૂ કરતા બે બોટલની ચોરી કરીને નીકળેલા બે શખ્સોની ધરપકડ કરી હતી.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપૂર પોરબંદર હાઈવે પર મોટાગુંદાળા ગામ પાસે ગઈકાલે સમીસાંજે હાઈવે ઓથોરીટીના ટ્રકની પાછળ પૂર ઝડપે આવતી સ્કોડાકાર ધડાકાભેર અથડાઈ પડી હતી અકસ્માતબાદ ચાલક કાર રેઢીમૂકી નાસી છૂટયો હતો.

અકસ્માતગ્રસ્ત સ્કોડાકારમાં વિદેશી દારૂ ભરેલ હોય રાહદારીઓ અને વાહન ચાલકોને દારૂની ખબર પડતા રીતસરની દારૂ લેવા પડાપડી થઈ હતી. મોટાભાગના વાહન ચાલકો દારૂની બોટલો લઈ પલાયન થઈ ગયા હતા.

બીજી બાજુ આ ઘટનાની કોઈએ પોલીસને જાણ કરતા જેતપૂર તાલુકા પોલીસ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સ્કોડા કારની તલાશી લેતા પોલીસને માત્ર રૂ.6600ની કિંમતનો 22 બોટલ દારૂ હાથ લાગ્યો જે પોલીસે કબ્જે કરી સ્કોડાકારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

ઘટના સ્થળે પહોચેલી પોલીસને દારૂની લૂંટ થયાની જાણ થતા હાઈવે પર નાકાબંધી કરી વાહન ચેકીંગ કરતા ઉપલેટા રહેતા ધવલ અરશી આહિર ઉ.26 અને રવિ મોહન ઉ.23ની કાર રોકી તલાશી લેતા તેમાંથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો. જે સ્કોડાકારમાંથી ઉઠાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી હતી.

જેતપુરમાં કાર અકસ્માત બાદ દારૂની લૂંટ ચલાવી ફરાર ચાર શખ્સો ધોરજીથી ઝડપાયા

જેતપુરના મોટા ગુંદાળા ગામ પાસે સ્કોડા કારને અકસ્માત નડતા તેમાંથી દારૂનો જથ્થો છલકાતા ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો. જેમાં રસ્તા પરના રાહદારીઓ અને વાહનચાલકોએ દારૂની લૂંટ ચલાવતા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથધરી હતી. જેમાં બાતમીના આધારે નેશનલ હાઇવે ઓથોરિટીના રોડ મેન્ટેનસ કોન્ટ્રાકટના ટ્રકને ઉભો રખાવી તેની તલાશી લેતા તેમાંથી 26 વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ.2.13 લાખના મુદ્દામાલ સાથે દિનેશ મિયાત્રા, મયુર દેગામા, ભુપત કુળેચા અને પ્રફુલ ડાભીને પોલીસે દબોચી લીધા છે.