Abtak Media Google News

પંજાબ પોલીસની ટીમે પંજાબ નેશનલ બેંકના ખેલાડીઓને હોકીથી ફટકાર્યા

નેહરૂ કપમાં હોકીની ફાઈનલ દરમિયાન દિલ્હીનું નેશનલ સ્ટેડિયમ ગઈકાલે યુદ્ધના મેદાનમાં ફેરવાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ મેચમાં પંજાબ પોલીસ અને પંજાબ નેશનલ બેંકની ટીમના પ્લેયર વચ્ચે મારામારી થઈ હતી.

પંજાબ પોલીસ અને પંજાબ નેશનલ બેંકના ખેલાડીઓ વચ્ચે મેચ દરમિયાન મેદાનની વચ્ચે તકરાર થઈ હતી.  આ તકરારે ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેલાડીઓએ એકબીજા ઉપર હોકી ઉગામી હતી. આ મારામારીમાં પંજાબ પોલીસની ટીમે વધુ આક્રમકતા દાખવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

7537D2F3 2

પંજાબ પોલીસ ટીમના ખેલાડીઓ મેચ દરમિયાન હોકી લઈને પંજાબ નેશનલ બેંકની ટીમના ખેલાડીઓ પાછળ દોડયા હતા અને ફટકાર્યા હતા. મારામારીના કારણે થોડા સમય માટે મેચ બંધ રાખવામાં આવી હતી. જો કે ત્યારબાદ બંન્ને ટીમમાં ૮-૮ પ્લેયર સાથે મેચ ફરી શરૂ થઈ હતી અને પંજાબની ટીમે ૬-૩થી વિજય મેળવ્યો હતો.

મેચ દરમિયાન મેદાનમાં ખેલાડીઓ વચ્ચે થયેલી આ લડાઈના ઘેરા પડઘા પડ્યા છે. આઈઓએના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ બન્ને ટીમના પ્લેયર અને મેનેજમેન્ટ સાથે કડક પગલા ભરવાની માંગણી કરી છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, આવી બેજવાબદાર ટીમ અને તેમનું મેનેજમેન્ટ તેમજ ઓર્ગેનાઈઝીંગ કમિટી હોકીને બદનામ કરે છે. આ મામલે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરું છું. આ બનાવ અંગે હોકી ઈન્ડિયાના સીઈઓ એલેના નોર્મને કહ્યું હતું કે, ટૂર્નામેન્ટના આયોજકો તરફથી સત્તાવાર રિપોર્ટ આવે તેની રાહ અમે જોઈ રહ્યાં છીએ. જેના પરી અમે જરૂરી પગલા લઈશું. આ બનાવ બાદ ચોંકી ઉઠેલી જવાહરલાલ નેહરૂ હોકી ટૂર્નામેન્ટ સોસાયટી દ્વારા બન્ને ટીમ ઉપર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાયો છે. પંજાબ પોલીસની ટીમને ચાર વર્ષ માટે જ્યારે પીએનબીની ટીમને બે વર્ષ માટે પ્રતિબંધીત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.