Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના રૂ.16 કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જણાવ્યું હતું કે ગુજરાતમાં 85% ઘરે ઘરે પીવાના પાણી માટે નળ કનેકશન આપી સરકારે જનસુખાકારીની ઉત્તમ કામગીરી કરી હવે ઉત્તમ થી સર્વોત્તમ તરફ પ્રયાણ કરી 100 ટકા નળ કનેક્શનની સુવિધા આપીને નલ સે જલ યોજનાને સાર્થક કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌને શુદ્ધ પાણી આપવાના નિર્ધાર ને સાકાર કરી ગુજરાતમાં ડિસેમ્બર 2022 પહેલા આ સિદ્ધિ હાંસલ કરાશે અને તે માટે દર મહિને એક લાખ નવા નળ કનેક્શન પીવાના પાણીની બહુ આયામી યોજનાઓ થકી અપાય છે.

ગુજરાત સરકારે કોરોના સંક્રમણને કાબુમાં લેવા બીજી લહેરમાં રાત-દિવસ કામગીરી કરી છે. સરકાર અને  પ્રશાસનના પરિશ્રમ થકી 41000 ઓક્સિજન યુક્ત બેડમાંથી 90,000 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. પહેલી લહેરમાં 300 ટન ઓક્સિજનની જરૂરિયાત સામે બીજી લહેરમાં 1100 ટનથી વધુ ઓક્સિજનની વ્યવસ્થા કરીને ગુજરાતમાં એક પણ માણસનું મૃત્યુ માત્ર ઓક્સિજનના અભાવે થયું નથી. મુખ્યમંત્રીએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને  શ્રદ્ધા સુમન વ્યક્ત કરી કરી સ્વજનો ગુમાવનાર પરિવારોને ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રાર્થના કરવા આવ્યો છું.

વેરાવળ ખાતે મુખ્યમંત્રીએ વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે રૂપિયા  પ.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ની 53 એમ.એલ.ડી કેપેસીટીના વોટર  ટ્રીટમેન્ટ પ્લાન્ટનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રૂ.10.26 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સ્ટ્રોમ  વોટર ડ્રેઈન  અને પંદર જેટલા સ્થળોએ ફુટપાથ  સહિત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથે ના પ્રોજેકટનું ખાતમુહુર્ત મળી એકંદરે કુલ રૂપિયા 16 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કર્યું હતું. પાણીના પ્રોજેક્ટમાં વેરાવળની બે લાખની વસ્તીને લાભ મળશે અને 25 વર્ષ ની વસ્તીનું આયોજન કરીને આ યોજના નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રીએ વેરાવળમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં રૂ. 31.97  લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ડીવાયએસપી કચેરીનું પણ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં અદ્યતન કચેરી બનતા પોલીસ મથકે સુવિધામાં વધારો થશે. સોમનાથ ખાતે રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરી વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ  વેરાવળમાં રાજ્ય સરકારની સહાયથી ચાલી રહેલા અંદાજે રૂપિયા 50 કરોડના કામોની રૂપરેખા આપી હતી. અને આભારવિધિ સંચાલન ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ  ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર,  જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા ભાજપ પ્રમુખ  માનસિંહભાઈ પરમાર, જૂનાગઢના રેન્જ આઇ.જી મનીન્દર સિંઘ પવાર, ઇન્ચાર્જ કલેકટર ડી.ડી.ઓ રવીન્દ્ર ખતાલે, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઇ જોટવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.