માતૃભાષાનું ભણતર ગુણવત્તાસભર ?

આઈઆઈટી સહિતની એન્જિનીયરીંગ શૈક્ષણિક સંસ્થાઓમાં માતૃભાષામાં અભ્યાસ કરાવવા શિક્ષણ મંત્રાલયની વિચારણા

કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માતૃભાષા પર પકડ હોવી ખુબ આવશ્યક છે, તેવી વ્યક્તિ જ સફળતા પ્રાપ્ત કરી શકે છે કે જે માતૃભાષામાં જમાવટ કરી શકે ત્યાં સુધી કે હાલ સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડ પણ માતૃભાષા તેમજ પ્રાદેશીક ભાષાને સિલેબસમાં મહત્વ આપી રહ્યું છે. તેવા સમયે દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, આઈઆઈટી અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરાવતી યુનિવર્સિટીઓને માતૃભાષામાં અભ્યાસ કરાવવાનો આદેશ ટૂંક સમયમાં આપવામાં આવે તેવી શકયતા છે. ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે આ નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

એનઈપી ૨૦૨૦ લાગુ કરવા માટે શિક્ષણ મંત્રાલય ભારતની પ્રાદેશિક ભાષાઓમાં એન્જીનીયરીંગ, અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ચલાવવા અંગે વિચારણા કરી રહી છે. વૈજ્ઞાનિક સાહિત્ય અને ભાષાઓમાં પુસ્તકોની ઉપલબ્ધતાના અભાવના આધારે સરકારના આ પગલા સામે વિવિધ લેખકોએ દલીલ પણ કરી છે. પરંતુ હાલ આ નિર્ણય લેવા સરકાર કટીબદ્ધ હોય તે પ્રકારે તૈયારીઓ કરાઈ રહી છે. આઈઆઈટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારના પરિવર્તનની અસર સૌથી પ્રથમ દેખાય તેવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે. આઈઆઈટી એક એવી શૈક્ષણિક સંસ્થા છે કે જ્યાંથી વિદ્યાર્થીઓને ખાનગી તેમજ સરકારી ક્ષેત્રોમાં રોજગાર મળી રહે છે. આઈઆઈટી ખાતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. જ્યાં ઉદાર સરકારી ભંડોળ, સંપૂર્ણ શૈક્ષણિક અને વહીવટી સ્વાયતતા અને ઉચ્ચ ગુણવત્તાવાળી ફેકલ્ટીનો સમાવેશ થાય છે. આ પ્રકારની સંસ્થાઓમાં મોટાભાગની ફેકલ્ટી વૈશ્ર્વિક શિક્ષણ અને સંશોધન સાથે સીધા સંપર્કમાં હોય છે. જેના પરિણામે તેઓ કુશળતાયુક્ત શિક્ષણ આપતા હોય છે. પરંતુ જ્યારે પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ શરૂ થશે ત્યારે આ પ્રકારની ફેકલ્ટી માટે એક મોટો પડકાર ઉભો થશે. સમગ્ર વિશ્ર્વમાં થતાં સંશોધનો તેમજ વૈશ્ર્વિક શિક્ષણ મોટાભાગે અંગ્રેજી ભાષામાં હોય છે. ત્યારે એ સંશોધનો અંગે વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રાદેશીક ભાષામાં અવગત કરાવવા તે પડકાર ફેકલ્ટીઓની સામે ઉભો રહેશે. જેના કારણે હાલ ફેકલ્ટીમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. માતૃભાષામાં શિક્ષણ મળે તે બાબત પણ અતિ જરૂરી છે. પરંતુ તે પ્રકારે શિક્ષણ આપવા આ પ્રકારની સંસ્થાના ફેકલ્ટીઓ પરિપૂર્ણ છે કે કેમ તે અંગેનો ચિતાર મેળવવો પણ એટલો જ જરૂરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, આઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સમગ્ર દુનિયામાંથી પ્રોફેસરો લેકચર લેવા માટે આવતા હોય છે ત્યારે પ્રાદેશિક/માતૃભાષામાં પ્રોફેસરો કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરાવશે તે પણ સવાલ ઉદ્ભવીત થઈ રહ્યો છે. આ નિર્ણયથી શિક્ષણની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે તેવી પણ શકયતાઓ હાલ પ્રબળ બની છે.

ભારતમાં તેમજ વિદેશમાં પણ આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીને સફળતાના શિખરો સર કર્યા છે. જેનું પરિણામ છે કે હાલ આઈઆઈટીમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ તલપાપડ થતાં હોય છે. આઈઆઈટી ખાતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપરાંત દુનિયાના અલગ અલગ છેડેથી આવેલા વિદ્યાર્થીઓ સાથેનો અભ્યાસ, સંસ્કૃતિ, ધર્મ, ખોરાકની ટેવ વગેરેની આપ-લે થતી હોય છે. જેથી વિદ્યાર્થીઓ ફકત શિક્ષણ નહીં પરંતુ શ્રેષ્ઠ વ્યક્તિત્વ પણ કેળવે છે. આઈઆઈટીએ હંમેશા તેમના સ્નાતકોને વૈશ્ર્વિક તકો આપતું રહ્યું છે. જેમાં અંગ્રેજી ભાષામાં આપેલ શિક્ષણ નોંધપાત્ર મદદ કરે છે. હાલ સુધી આઈઆઈટીમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આઈટી સેકટરથી માંડી આર એન્ડ ડી (રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ) કંપનીઓમાં નોંધપાત્ર ભૂમિકા ભજવતા આવ્યા છે. આ પ્રકારની કંપનીઓ વૈશ્ર્વિકસ્તરે કાર્યરત હોય છે ત્યારે અંગ્રેજી ભાષાનું શિક્ષણ અતિ જરૂરી હોય છે. ત્યારે માતૃભાષાનું શિક્ષણ આ બાબતમાં પણ અવરોધ ઉભો કરે તેવી શકયતાઓ છે.

પરંતુ તમામ બાબતોમાં સિક્કાની બે બાજુની જેમ ફાયદા-ગેરફાયદા છુપાયેલા છે. કોઈપણ વ્યક્તિના સર્વાંગી વિકાસની શરૂઆત તેની માતૃભાષા પરની પક્કડથી જ થતી હોય છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવું એ તમામ વિદ્યાર્થીઓનો અબાધીત અધિકાર પણ છે. ત્યારે માતૃભાષામાં શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ વધુ સફળ બને તે બાબત પણ ભુલી શકાય નહીં.