ફાયર NOC માટે રાફડો ફાટયો: ૧૬૭ અરજીઓ

૪ ટયુશન કલાસીસ અને ૪ શાળાઓમાં ચેકિંગ, જોકે એકપણ એનઓસી ન અપાયું

સુરતમાં બનેલી આગ લાગવાની ઘટનામાં ૨૨ નિર્દોષ બાળકોનાં મોત નિપજયા બાદ રાજય સરકારનાં આદેશનાં પગલે રાજયભરમાં ફાયર સેફટીનાં સાધનોની ચકાસણી ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે. મહાપાલિકા દ્વારા ધડાધડ ટયુશન કલાસીસ સીલ કરવામાં આવી રહ્યાં છે. શાળા અને ટયુશન કલાસીસને ૧૦ દિવસમાં ફાયર સેફટીનાં સાધનો વસાવી લેવા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે ત્યારે હાલ ફાયરનું એનઓસી મેળવવા માટે મહાપાલિકામાં રીતસર અરજીઓનો રાફડો ફાટયો છે. ૧૬૭ જેટલી અરજીઓનો ઢગલો ખડકાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ધમધમતા ૧૧૫ ટયુશન કલાસીસ, ૪૭ શાળાઓ અને ૫ હોસ્પિટલ દ્વારા ફાયરનાં એનઓસી માટે મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખા સમક્ષ અરજી કરવામાં આવી છે. હાલ ૪ શાળાઓ અને ૪ ટયુશન કલાસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આજ સુધી એક પણ ટયુશન કલાસીસ, શાળા કે હોસ્પિટલને એનઓસી આપવામાં આવ્યું નથી.