Abtak Media Google News

બે લાખથી વધુ રઘુવંશીઓ પ્રસાદ લેશે: યુવક-યુવતીઓની નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરાશે: ઉમળકારભેર પાઠવાયા આમંત્રણ

રઘુવંશી સમાજના સંતો, મહંતો, ભક્તો, સેવાના ભેખધારીઓ અને શૂરવીરોની એક આગવી ઓળખ અને અનોખી પરંપરા રહી છે. વીરદાદા જશરાજજી જેવા મીંઢળબંધા શૂરવીરોએ ગાયોને બચાવવા માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે. ત્યારે રઘુવંશી પરિવાર દ્વારા આગામી તા.૨૨ ૨૦૧૮એ વીરદાદા જશરાજજી નગર, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે નાત જમણ જ્ઞાતિગંગાનું અદકેરું આયોજન કરવામાં આવેલ છે. જ્ઞાતિ જમણમાં બહોળી સંખ્યામાં ઉમટી પડવા માટે રઘુવંશી પરિવાર દ્વારા બાઈક સ્કુટર રેલી યોજી, ઉમળકાભેર આમંત્રણ પાઠવેલ છે.

પૂજય વીરદાદા જશરાજજી રઘુવંશી સમાજનું કુળગૌરવ છે. લોહાણા સમાજના સરતાજ અને લોહરાણા ક્ષત્રિય સમાજના અંતિમ શાસક, ગૌરક્ષક, ધર્મરક્ષક, શોર્યપ્રતિક પૂજ્ય વીરદાદા જશરાજજીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વીરદાદા જશરાજજી નગરનું નિર્માણ કરીને જાજરમાન સમિયાણો ઉભો કરવામાં આવેલ છે. જ્યાં લોહાણા સમુદાય એક પંગતે બેસી, દિવ્ય મહાપ્રસાદ લેશે સાથો-સાથ જ્ઞાતિગંગાના દર્શન થો.

આ જ્ઞાતિજમણ મહાપ્રસાદમાં અંદાજીત બે લાખથી પણ વધુ રઘુવંશીઓ પ્રસાદ લેશે, આ મહાપ્રસાદમાં ૫૦૦૦ કિ.ગ્રા. ખાંડ, ૪૦૦૦ કિ.ગ્રા. બેસન, ૩૦૦૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ, ૨૦૦૦ કિ.ગ્રા. ઘોરવું, ૨૦ ટન કાષ્ટ, ૭૫૦ કિ.ગઆ. શુધ્ધ ઘી, ૩૦૦ ડબા તેલ, ૪૫૦૦ કિ.ગ્રા. ખીચડી, ૨૫૦ કિ.ગ્રા. ડ્રાયફૂટ, ૩૦૦ કિ.ગ્રા.મરચાં પાવડર, ૧૦૦ કિ.ગ્રા.હળદર, ૫૦ કિ.ગ્રા.ધાણાજી‚, ૩૦૦ ગુણી બટેટા, ૧૦૦૦ કિ.ગ્રા. રીંગણા, ૧૦૦૦ કિ.ગ્રા. કોબીચ, ૨૦૦ કિ.ગ્રા. લીલા મરચાં, ૫૦૦ કિ.ગ્રા. ગાજર, હિંગ તેમજ ગરમ મસાલા સામગ્રી ઉપયોગમાં થશે. વિશાળ પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. નાતજમણ માટે એક હજારથી વધુ યુવાન ભાઈઓ-બહેનો સેવા‚પી યોગદાન આપનાર છે.

જ્ઞાતિ જમણની સાથે સમાજના યુવક-યુવતી માટે નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. થેલેસેમિયા ટેસ્ટ માટે એક રૂપિયા ૧૦૦/- ડીપોઝીટ પેટે લેવામાં આવશે. રિપોર્ટ લેવા આવે ત્યારે ડીપોઝીટની પૂરેપૂરી રકમ પરત આપવામાં આવશે.

ભાવનગર, અમરેલી, ખંભાળિયા, ધોરાજી, ઉપલેટા, કેશોદ, વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના, પોરબંદર, જૂનાગઢ, ટંકારા, મોરબી, વાંકાનેર, ગોંડલ, જામનગર, દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર-કચ્છનાં ગામો-શહેરોના તથા રાજકોટ શહેરના તમામ રઘુવંશી પરિવારોને આ જ્ઞાતિ ગંગારૂપી મહાપ્રસાદ લેવા પધારવા રઘુવંશી પરિવારના વડીલો તથા તમામ સભ્યો દ્વારા હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજકોટના રહેવાસી હોય તેવા કોઈપણ રઘુવંશી આ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપવા ઈચ્છતા હોય તેઓએ રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, જાગનાથ મંદિર ચોક, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ (ફોન.૦૨૮૧-૬૮૮૮૦૮૮) ખાતે સંપર્ક કરવા ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.