Abtak Media Google News

રાજકોટની ચારેય બેઠકો માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં: 11મી યાદીમાં અલગ-અલગ 12 બેઠકો માટે મૂરતીયા જાહેર કરાયા: સુરતની વરાછા રોડ બેઠક પરથી અલ્પેશ કથીરીયાને ટિકિટ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની 11મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 12 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની બે બેઠકો માટે અગાઉ ઉમેદવારો જાહેર કરી દેનાર ‘આપ’ દ્વારા આજે બાકી રહેતી અન્ય બે બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે પાટીદાર સમાજના યુવા અગ્રણી રાહુલભાઇ ભૂવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે બ્રહ્મ સમાજના અગ્રણી દિનેશભાઇ જોષીને ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉમેદવારોના નામની 11મી યાદી જાહેર કરાઇ છે. જેમાં ગાંધીધામ બેઠક માટે બી.ટી.મહેશ્ર્વરી, દાતાં બેઠક માટે એમ.કે.બોમ્બાડીયા, પાલનપુર બેઠક માટે રમેશભાઇ નાભાણી, કાંકરેજ બેઠક માટે મુકેશભાઇ ઠક્કર, રાધનપુર બેઠક માટે લાલજીભાઇ ઠાકોર, મોડાસા બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમાર, રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે રાહુલ ભૂવા, રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે દિનેશભાઇ જોષી, કુતિયાણા વિધાનસભા બેઠક માટે ભીમાભાઇ મકવાણા, બોટાદ બેઠક માટે ઉમેશભાઇ મકવાણા, ઓલપાડ બેઠક માટે ધાર્મિક માલવીયા અને સુરતની વરાછા રોડ બેઠક માટે અલ્પેશભાઇ કથીરીયાને ટિકિટ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની દક્ષિણ બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમય પહેલા રાજકોટ શહેરના ‘આપ’ના પ્રમુખ શિવલાલભાઇ બારસીયા અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાના નામની ઘોષણા કરી દેવામાં આવી

છે. જ્યારે આજે શહેરની બાકી રહેતી બે બેઠકો માટે પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે દિનેશભાઇ જોષી અને પૂર્વ બેઠક માટે રાહુલભાઇ ભૂવાના નામની ઘોષણા કરવામાં આવી છે. એકમાત્ર ભાજપ સિવાય અન્ય બે પક્ષોએ રાજકોટની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જો કે, કોંગ્રેસે બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. જ્યારે ‘આપ’ સૌથી આગળ ચાલી રહ્યું છે. માત્ર રાજકોટની ચાર બેઠક નહિ પરંતુ રાજ્યની 140 બેઠકોથી પણ વધુ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.