દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂંકાવી રાહુલે ગુજરાત જીતવા ‘બ્યુંગલ’ ફૂંક્યું

પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં કાર્યકરોને એક જૂટ થઇ વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવા રાહુલ ગાંધીની હાંકલ

અબતક-રાજકોટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા અઢી દાયકાથી સત્તાથી વંચિત કોંગ્રેસે ગુજરાતને ફતેહ કરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. દ્વારકાધીશના સાંનિધ્યમાં પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. જેમાં આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી રાહુલે ગુજરાત જીતવા માટેનું વ્યુંગલ ફૂંકી દીધુ છે. કોંગી કાર્યકરોને એક જૂટ થઇ ચૂંટણી માટે કામે લાગી જવા હાંકલ કરી હતી. આજે બપોરે 12 કલાકે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. જ્યા તેઓને પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આવકાર્યા હતા. જ્યાંથી તેઓ હેલીકોપ્ટર મારફત દ્વારકા ખાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ હતુ. ધ્વજા સાથે મંદિરની પ્રદક્ષીણા કરી હતી. પાદુકા પુજન કર્યું હતુ અને ત્યારબાદ સિધ્ધા ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે એક જૂટ બની કાર્યકરોને ખંતથી કામે લાગી જવા હાંકલ કરી હતી. ગુજરાત જીતવા માટે રાહુલ ગાંધીએ આજે દ્વારકાધીશના સાંનીધ્યમાં વ્યુગલ ફૂંકી દીધુ છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. છેલ્લા બે દિવસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ સૌરાષ્ટ્રના પ્રવાસ ખેડી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં આ વખતે ભાજપને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ દ્વારા ગંભીરતાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં પ્રદેશ પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે લડાયક નેતાઓની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપનેતા, દંડક, પ્રવક્તા તરીકે પણ પક્ષને વફાદાર નેતાઓની નિમણૂંક કરવામાં આવી છે.

કાર્યકરોમાં ચૂંટણીલક્ષી ઉત્સાહનું સંચાર કરવા માટે દેવભૂમિ દ્વારકા ખાતે ત્રણ દિવસની ચિંતન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીથી કાર્યકરો અને આગેવાનોમાં નવા જ જોમનું સંચાર થયુ હતું. આજથી રાહુલે પણ ગુજરાતમાં ચૂંટણીનું વ્યુગલ ફૂંકી દીધુ છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. સાથોસાથ રાજ્યની ભાજપ સરકારની ખામીઓ લોકો સમક્ષ ખૂલ્લી પાડવા માટે પણ આંદોલાત્મક કાર્યક્રમો અપાશે.