Abtak Media Google News

યાત્રા દરમિયાન ભીડને કાબુમાં રાખવામાં કાશ્મીર પોલીસે બેદરકારી દાખવ્યાનો રાહુલનો આક્ષેપ

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી છે. આ યાત્રા શુક્રવારે જમ્મુથી બનિહાલ તરફ આગળ વધી હતી. શુક્રવારે કોંગ્રેસની યાત્રામાં ભારે ભીડ પછી અસમંજસની સ્થિતિ ઉભી થઇ હતી. જે પછી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી યાત્રા થોડા સમય માટે રોકવામાં આવી હતી. થોડા સમય પછી કોંગ્રેસની યાત્રા રાહુલ ગાંધી વગર શ્રીનગર તરફ આગળ વધી હતી.

શુક્રવારે બનિહાલથી આગળ વધવા પર યાત્રામાં શું થયું તે વિશે બપોરે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. અનંતબાગમાં કોંગ્રસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન પોલીસ તરફથી કરવામાં આવેલી વ્યવસ્થા પુરી રીતે ચરમાઇ ગઇ હતી. આ દરમિયાન ભીડને મેનેજ કરવા માટે સુરક્ષાકર્મી ક્યાંય જોવા મળતા ન હતા. યાત્રા દરમિયાન મારી સાથે ચાલતા સુરક્ષાકર્મી ઘણા અસહજ હતા જેથી મારે પોતાની યાત્રા રદ કરવી પડી હતી. અન્ય યાત્રી ભારત જોડો યાત્રા સાથે આગળ વધી ગયા હતા.

અનંતબાગમાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે મને લાગે છે કે એ મહત્વપૂર્ણ છે કે પોલીસ ભીડને મેનેજ કરે જેથી અમે યાત્રા કરી શકીએ. મારા સુરક્ષાકર્મી જે ભલામણ કરી રહ્યા છે તેની વિરુદ્ધ જવું મારા માટે ઘણું મુશ્કેલ છે. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે સુરક્ષામાં થયેલી ચૂક છતા પોતાની યાત્રા યથાવત્ રાખશે તો તેમણે કહ્યું કે અમારી યાત્રા જારી રહેશે.રાહુલ ગાંધીએ કહ્યું કે એ જમ્મુ કાશ્મીર પ્રશાસનની જવાબદારી છે કે તેઓ સુરક્ષા આપે. મને વિશ્વાસ છે કે આવનાર દિવસો માટે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પહેલા કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાજનીતિ પોતાના સ્થાને છે પણ કાશ્મીર ઘાટીમાં રાહુલ ગાંધીની સુરક્ષા સાથે ખિલવાડ કરીને સરકારે પોતાના નિમ્નતમ સ્તરનું પ્રદર્શન કર્યું છે. ભારત પહેલા જ ઇન્દિરા ગાંધી જી અને રાજીવ ગાંધી જી ને ગુમાવી ચૂક્યું છે. કોઇપણ સરકાર કે પ્રશાસને આવા મુદ્દા પર રાજનીતિ કરતા પહેલા વિચારવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.