Abtak Media Google News

રાહુલનું ‘હાર્દિક’ સ્વાગત થશે?

ગુજરાતમાં ચૂંટણીની ગરમી હવે દિવસે દિવસે વધતી જાય છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લઈને ગુજરાતીઓને કરોડો રૂપિયાની ભેટ આપી હતી. સોમવારે એટલે કે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલની આ મુલાકાત એટલા માટે અગત્યની છે કારણ કે આજે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં શામેલ થઈ જશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાહુલ હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી સાથે પણ મુલાકાત કરી શકે છે. જો કે આ વાતને હજુ સમર્થન મળ્યું નથી. આવામાં મોટો સવાલ એ છે કે રાહુલ ગાંધીનું ગુજરાતમાં ‘હાર્દિક’ સ્વાગત થશે?

ઠાકોર કોંગ્રેસમાં ભળી જશેઃ

Pic 3 116રાહુલ ગાંધીનગરમાં કોંગ્રેસે આયોજન કરેલી નવસર્જન ગુજરાત જનાદેશ રેલીમાં ભાગ લેશે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાં ઓફિશિયલ એન્ટ્રી લેશે. ઠાકોરે શનિવારે દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. ત્યાર પછી તેણે જાહેરાત કરી હતી કે તે જલ્દી જ કોંગ્રેસમાં શામેલ થઈ જશે. ઠાકોર કોંગ્રેસના પક્ષમાં આવવાથી આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ફાયદો થવાની આશા ઉજળી થઈ છે.

રાહુલ હાર્દિકને મળશે?

કોંગ્રેસના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલને પણ આ રેલીમાં ભાગ લેવામાં આમંત્રણ આપ્યું છે. સોલંકીએ જણાવ્યું, “રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે. અમે પાટીદાર આંદોલન સમિતિના હાર્દિક પટેલ અને બીજા નેતાઓને આમંત્રણ આપ્યું છે. તેમણે અમને તેમનું માંગપત્ર આપ્યું હતું અને અમે તેમની માંગ પૂરી કરવા માટે સકારાત્મક છીએ. રેલીથી પહેલા રાહુલ તેમની સાથે બેઠક કરશે અને આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને તેમને કોંગ્રેસનું સમર્થન કરવા આમંત્રણ આપશે.”

હાર્દિકે કર્યો ઈશારો?

જો કે હજુ એ સ્પષ્ટ નથી કે હાર્દિક પટેલ રાહુલ ગાંધીને મળવા આવશે કે નહિ. ટીવી રિપોર્ટ્સ અનુસાર હાર્દિકે રાહુલની રેલીમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ગઈ વખતે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે હાર્દિકે ટ્વીટ કરીને રાહુલનું સ્વાગત કર્યું હતું. હાર્દિકે રવિવારે એમ પણ જણાવ્યું હતું કે ભાજપનો અહંકાર ખતમ કરવ કોંગ્રેસ સત્તા પર આવે એ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.