- લોકસભાના વિરોધ પક્ષના નેતા
- કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ: પૂર્વ પ્રમુખ, વિરોધ પક્ષના પૂર્વ નેતા, શહેર અને જિલ્લા પ્રમુખો, નગરપાલિકા
- અને તાલુકા પંચાયતના પ્રમુખો સાથે બેઠક: 2027 વિધાનસભાની ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપ્યું
ગત વર્ષ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મળેલી કોંગ્રેસનું પ્રદર્શન સારૂં રહ્યું હતું. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીના હોમ સ્ટેટમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતવાનું ભાજપનું સપનું કોંગ્રેસે રોળી નાખ્યુ હતું. બનાસકાંઠા લોકસભાની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હજી અઢી વર્ષનો સમય બાકી છે. જો અત્યારથી સંગઠનને મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવે તો 30 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસને સત્તા સુખ મળી શકે છે. આગામી 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળનાર છે તે પૂર્વ લોકસભાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે.
તેઓનું અમદાવાદ એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારથી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. લોકસભા ગૃહમાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ર્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી એ 2027ના ચૂંટણી જંગ માટે કોંગ્રેસ કાર્યકરો માર્ગદર્શિત કરશે. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પાયાના કાર્યકર્તા– આગેવાનો સાથે સીધો સંવાદ કરશે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધીએ પૂર્વ પ્રદેશ પ્રમુખઓ અને પૂર્વ વિપક્ષ નેતાઓ, વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ 10:30 કલાકે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક તેમજ વિવિધ ફ્રન્ટલ અને સેલ–ડિપાર્ટમેન્ટના ચેરમેનઓ સાથે સંવાદ કર્યો હતો. બપોરે 2:00 કલાકે ગુજરાતના તમામ જિલ્લા–શહેરના પ્રમુખઓ સાથે સંગઠન અને કોંગ્રેસની કામગીરી અંગે માર્ગદર્શન આપશે. બપોરે 3 કલાકે તમામ તાલુકા અને નગરપાલિકા પ્રમુખો સાથે મુલાકાત મહત્વનો સંવાદ કરશે. સાંજે 5 થી 7 દરમિયાન સામાજિક સંગઠનો સાથે આમંત્રિતો સાથે ચર્ચા કરશે. સમગ્ર દિવસ દરમિયાન ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો, નેતાઓ સાથે મીટિંગનો દોર ચાલુ રહેશે. કાલે 8 માર્ચના રોજ રાજપથ ક્લબ પાસે ઝેડએ હોલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. રાહુલ ગાંધી સંવાદ થકી તાલુકાથી લઈ જિલ્લા અને શહેર–નગર પાલિકા, પ્રદેશ હોદ્ેદારો સહિતના કોંગ્રેસ કાર્યકરો સાથે રાજ્ય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ કેવી રીતે લઈ જવી, આગામી લોક ચેતના અને લોક સંપર્ક માટેના કાર્યક્રમોની ચર્ચા સાથે રાજ્યના નાગરિકોની હયાત સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના બે દિવસીય ગુજરાત પ્રવાસથી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોમાં અનેરો ઉત્સાહ છે.
આગામી મહિને અમદાવાદમાં યોજનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પૂર્વ રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત ખૂબ જ સુચક અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. આવામાં હવે પક્ષ દ્વારા સંગઠન માળખામાં પણ ધરમુળથી ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે. તમામ શહેર અને જિલ્લામાં નવા પ્રમુખોની નિયુક્તીની શક્યતા પણ નકારી શકાતી નથી.