- 14 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા તસ્કરને ત્રણ મોટરસાયકલ સાથે ઉઠાવી લેતી ક્રાઇમ બ્રાન્ચ
- પીએસઆઈ એમ કે મોવલીયા અને વી ડી ડોડીયાની ટીમને સફળતા : કોન્સ્ટેબલ વિશાલ દવે અને સંજય ખાખરીયાની બાતમી
રાજકોટ અને મોરબીમાં થયેલી અલગ અલગ વાહનચોરીનો ભેદ ઉકેલાયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ ચોરીના વાહન સાથે રાહુલ ટકા નામના રીઢા તસ્કરની ધરપકડ કરી લેવામાં આવી છે. અગાઉ 14 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો રીઢો તસ્કર પોતાના મોજશોખ પુરા કરવા માટે વાહનચોરીને અંજામ આપતો હોય તેવી પ્રાથમિક કબૂલાત આપી છે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી બી બસિયા દ્વારા શહેરમાં બનતા ઘરફોડ ચોરી, લૂંટ, ચીલઝડપ, વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા મળેલી સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા અને એમ એલ ડામોરની ટીમો સતત પ્રત્યનશીલ હતી. દરમિયાન પીએસઆઈ એમ કે મોવલીયા અને વી આર ડોડીયાની ટીમના કોન્સ્ટેબલ વિશાલભાઈ દવે અને સંજયભાઈ ખાખરીયાને મળેલી બાતમીના આધારે લીમડા ચોક નજીક આવેલ શાસ્ત્રી મેદાનમાંથી ચોરીના ત્રણ વાહનો સાથે રાહુલ ઉર્ફે ટકો અશોકભાઈ મોતીભાઈ વિકાણી(ઉ.વ.23 હાલ રહે. લીમડા ચોક પાસે, શાસ્ત્રી મેદાનના ફૂટપાથ પર અને મૂળ રહે રાતી દેવડી ગામ, વાંકાનેર, મોરબી)ની ધરપકડ કરવામાં આવી હતી. આકાશ ઉર્ફે ટકા પાસેથી રાજકોટમાંથી ચોરી કરેલ બે મોટરસાયકલ જયારે મોરબીથી ઉઠાવી લાવેલ એક એમ કુલ ત્રણ મોટરસાયકલ કબ્જે કરવામાં આવ્યા છે. આકાશ ઉર્ફે ટકા વિરુદ્ધ અગાઉ રાજકોટ અને મોરબીમાં ચોરી સહિતના 14 ગુના નોંધાઈ ચુક્યા છે તેમજ પોતે ફક્ત પોતાના મોજશોખ પુરા કરવા જ વાહન સહીતની ચોરીને અંજામ આપતો હતો તેવું ખુલવા પામ્યું છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવ, પીએસઆઈ એમ કે મોવલીયા, પીએસઆઈ વી ડી ડોડીયા, એએસઆઈ રણજિતસિંહ પઢારિયા, અશોકભાઈ કલાલ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુભાષભાઈ ઘોઘારી, કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા, રમેશભાઈ માલકિયા, સંજયભાઈ ખાખરીયા, વિશાલભાઈ દવે રોકાયાં હતા.