Abtak Media Google News

સૌનો સાથ સૌનો વિકાસ કયારે ?

અહેમદ પટેલ, રાજીવ સાતવ, ભરતસિંહ સોલંકી સહિતના ઘણા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા પ્રયાસો કર્યા પણ જુથ બંધી નડી: બધા પોતાનો અલગ ચોકો જમાવવામાં મજબૂત: કોંગ્રેસને કળ વળતી નથી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીના આડે હવે માત્ર એક વર્ષથી પણ ઓછો સમય ગાળો બાકી રહ્યો છે. સતાધારી પક્ષ ભાજપે જોરશોરથી ચુંટણી લક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ કોંગ્રેસના દીગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતનો મામલે હાથ પર લીધો છે. ગઇકાલે તેઓએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વન-ટુ-વન મીટીંગ કરી હતી. અને 2022માં સૌનો સાથ કોંગ્રેસનો વિકાસ થાય તેવા પ્રયાસો કર્યા હતા. રાજયમાં કોંગ્રેસ જુથબંધીના હવે દળદળમાં ગરકાવ થઇ ગઇ છે કે હવે તેમાંથી પંજાને બહાર કાઢવો મહા પડકાર બની ગયો છે.

ગુજરાતમાં કોંગ્રેસને મજબુત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ કે પ્રભારી તરીકે મોટા માથાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી અને રાજીવ સાતવજી સહિતના ખભે જવાબદારી સોંપવામાં આવી હતી. તમામ નેતાઓ પોતાનો અલગ ચોકો જમાવવામાં મશગુલ રહેતા હોવાના કારણે કોંગ્રેસને કળ વળતી નથી. ભાજપે રાજયમાં માત્ર 24 કલાકમાં નેતૃત્વ પરિવર્તન કરી નાંખ્યુ.

મુખ્યમંત્રી સાથે આખુ મંત્રીમંડળ બદલાઇ ગયું છતાં સાંગો યોગ પતિ ગયું. બીજી તરફ સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં થયેલી કારમી કાર બાદ પોતાની નૈતિક જવાબદારીનો સ્વીકાર કરતા પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. છતાં આઠ મહિના પછી પણ કોંગ્રેસ નવા નેતાની શોધ કરી શકયું નથી.

છેલ્લા અઢી દાયકાથી રાજયમાં સત્તાથી વિમુખ કોંગ્રેસને ગુજરાતની ગાદી મળે તે માટે ખૂદ પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ મથામણ શરૂ કરી દીધી છે. પરંતુ તેઓને આ ભગીરથ કામમાં સફળતા પ્રાપ્ત થશે કે કેમ? તે પણ મોટો સવાલ છે.

ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઇ કાર્યકર જ નથી જેટલા લોકો કોંગ્રેસ સાથે જોડાયેલ છે તે તમામ નેતાઓ છે જેટલા નેતા છે એટલા ગ્રુપો છે જેના કારણે કોઇ એક નેતાને આગળ કરવામાં આવે તો આવી કોંગ્રેસ વેરવિખેર થઇ જાય છે. પરિણામે કોંગ્રેસ ગુજરાતમાં મજબુત થવાના બદલે દિન-પ્રતિદિન નબળી પડી રહી છે. વિધાનસભાની ચુંટણીના એક વર્ષ પૂર્વે રાહુલ ગાંધીએ ગુજરાતનો મુદ્દો હાથ ધર લીધો છે. હવે સમય જ બતાવશે કે કોંગ્રેસના યુવરાજ આ કામમાં કેટલી હદે સફળ થશે. એ વાત ફાઇનલ છે કોઇપણ વ્યકિતને પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાનો તાજ પહેરાવવામાં આવશે જાુથવાદ લબકારા મારવા માંડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.