- ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન
- અમદાવાદ ખાતે કોર્પોરેટ ઓફિસ, હરિપર-મીયાણા ખાતે મીઠા ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળ પર તવાઇ જામનગરમાં વધુ ટીમો બોલાવાઇ: તપાસની પ્રથમ કલાકમાં જ આઇટીને મળ્યા અનેક દસ્તાવેજી પૂરાવા
રાજકોટ વિંગના વહેલી સવારથી જ મીઠાના જથ્થાબંધ વેપારી પર દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે સવારથી જામનગર, અમદાવાદ, હરિપર અને મીયાણા ખાતે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ ખાતે આવેલી દેવ ગ્રુપ ઓફ કંપની પર તવાઇ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ખાતે તેની કોર્પોરેટ ઓફિસ છે. જ્યારે હરિપર અને મીયાણા ખાતે મીઠાની ફેક્ટરી પર તેમજ 15થી વધુ સ્થળો પર આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સંદર્ભે જામનગરમાં આઇટી વિભાગની 20થી વધુ ટીમો બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ તપાસની પ્રથમ કલાકમાં જ ઇન્કમટેક્સ વિભાગને અનેક દસ્તાવેજી પૂરાવાઓ મળી આવ્યા છે અને આ રેલો રાજકોટ સુધી પહોંચે તો પણ નવાઇ નહિં.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારથી ગુજરાતના મોટા શહેરોમાં આવકવેરા વિભાગે દરોડો પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મીઠાના જથ્થાબંધ વેપારીઓ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણીતા દેવ ગ્રુપ ઉપર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગરના મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ફેક્ટરી માળીયા ખાતે આવેલી છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વધુ માહિતી મુજબ તેમની અમદાવાદ ઉપરાંત રાજકોટ તેમજ ગાંધીધામમાં આવેલી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર ખાતે તેમજ હરિપર, માળીયા ખાતે આવક વેરા વિભાગની તમામ ટીમો સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને શરૂઆતની કલાકમાં જ અનેક દસ્તાવેજી પૂરાવાઓ મળી આવ્યા હોવાનું પણ હાલ માહિતી છે.
રાજકોટ ઉપરાંત અમદાવાદ, જામનગર અને ગાંધીધામમાં આવક વેરા વિભાગે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. મીઠાના વેપારી પર દરોડા પાડવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અને આ આવક વેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં મોટી કરચોરી પકડાઇ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આજે હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનને લઇ રાજકોટના મીઠાના જથ્થાબંધ વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.