Abtak Media Google News

નવા રીંગ રોડ પર ગોંડલ-કોઠારીયા ચોકડી પાસે ફાટક નજીક ડાઇવર્ઝન કરવા 4 કરોડની માંગણી કરી: કોર્પોરેશનને વેરા પેટે ચૂકવવાના થતા 15 કરોડ આપવા દિલ્હીથી 9 કરોડની ગ્રાન્ટ આવી પરંતુ વેરો ન ચૂકવતા ગ્રાન્ટ લેપ્સ

રેલવેના અધિકારીઓ હજી અંગ્રેજ શાસકોની માનસિકતામાંથી પૂરી રીતે બહાર નીકળી શક્યા નથી. કોર્પોરેશનને કરોડો રૂપિયાનો વેરો ચૂકવવામાં ડાંડાઇ કરતા રેલવેએ ફાટક પાસે માત્ર ડાઇવર્ઝન બનાવવા માટે મોટું મોંઢુ ફાડ્યું છે. બીજી તરફ આ વાત છેક દિલ્હી સુધી પહોંચી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

નવા રીંગ રોડ પર ગોંડલ-કોઠારીયા રોડ ચોકડી વચ્ચે એક રેલવે ફાટક છે ત્યાં ડાઇવર્ઝન બનાવવા માટે રેલવે વિભાગે કોર્પોરેશન પાસે પ્રથમ વખત રજૂઆત કરવામાં આવી ત્યારે રૂ.1.25 કરોડની માંગણી કરી હતી. પછી આ માંગણી વધારી રૂ.2.75 કરોડ કરવામાં આવી હતી. દરમિયાન હવે 4 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. કોર્પોરેશન આ માટે અનેક વખત લેટર પણ લખ્યા છે પણ દર વખતે જુદી-જુદી ક્વેરી કાઢીને માંગણીનો અસ્વિકાર કરવામાં આવે છે. આ અંગે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારિયાને ફરિયાદ કરવામાં આવી હતી. તેઓએ દિલ્હી સુધી વાત પહોંચાડી હતી. દિલ્હીથી આ ફાટક પર બ્રિજ બનાવવા એસ્ટીમેટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ ખૂબ જ ઉંચા એસ્ટીમેટના કારણે કોર્પોરેશન મૂંજાયુ છે અને પ્લાન અટકી ગયો છે. બીજી તરફ મહાપાલિકા અલગ-અલગ ચાર્જિંસ પેટે રેલવે વિભાગ પાસે રૂ.15 કરોડ માંગે છે. આ રકમ ભરવા માટે તંત્ર સહમત પણ થયું હતું અને એવું કહ્યું હતું કે કોર્પોરેશન બ્રિજ સહિતના અલગ-અલગ ચાર્જિંસ માટે રકમ જમા કરાવે તો અમે પણ ટેક્સની રકમ જમા કરાવી દેશું. દરમિયાન કોર્પોરેશને બે કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. દિલ્હીથી ખાસ ટેક્સ ચૂકવવાના હેડ માટે 9 કરોડની ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવી હતી. જો કે રેલવે ટેક્સનું પેમેન્ટ ન કરતા ગ્રાન્ટ લેપ્સ થઇ છે. રેલવેનું વલણ ખૂબ જ નેગેટીવ છે. ગટર, રોડ અને લાઇટ સહિતની સુવિધાઓનો બેફામ ઉપયોગ કરે છે પરંતુ બીજા કામો માટે હવાલા નાંખી દે છે. કોર્પોરેશન નાણા ન ચૂકવે તો સામાન્ય કામ માટે પણ મંજૂરી આપવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.