રેલમંડળના પોઇન્ટસ મેન નંદરામને મેન ઓફ ધ મંથ’નો પુરસ્કાર એનાયત

રાજકોટ મંડળના પ્રબંધક આર.સી.મીણા સહિતના અગ્રણીઓની ઉ૫સ્થિતિ

રાજકોટ મંડળના પોઇન્ટસ મેન નંદરામ એમ.ને રેલ સુરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલ દ્વારા ‘મેન ઓફ ધ મંથ’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજકોટ મંડળના સીનીયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યાનુસાર વર્તમાન પરિસ્થિતિઓને ઘ્યાનમાં રાખીને આ પુરસ્કૃત સમારોહ વેબીનારના માઘ્યમથી યોજવામાં આવ્યો હતો. રાજકોટ રેલ મંડળ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલ દ્વારા આ રેલ કર્મીને રાજકોટ સ્થિત ડીઆરએમ ઓફીસના કુદરતી આફતના પ્રબંધન કક્ષામાં આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. હાપા ગુડસ શેડ પર કાર્યરત પોઇન્ટસ મેન નંદરામ એમએ ૯ ઓકટોબરે માઘ્ય રાત્રિના ૩.૧૦ વાગ્યે અલિયાબાડાથી હાપા આવનાર ગુડસ ટ્રેન આવ્યા બાદ ટ્રેકની તપાસ કરી અને એ ઘ્યાનમાં કે માટી ધસાઇ જવાના કારણે અચાનક રેલવે ટ્રેકના પાંચથી સાત સ્લીપર પાટીયા  નીચે બેસી ગયા છે. સતકર્તા અને સજાગતાથી કાર્ય કરતાં તરત જ નંદરામે ગાડીઓની અવર જવરને થંભાવી અને સંભવિત રેલવે દુર્ધટના રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી જેથી તેઓને જીએમ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટ મંડળના વરિષ્ટ મંડળ પરિચાલન પ્રબંધક આર.સી. મીણા વરિષ્ઠ મંડળ સુરક્ષા અધિકારી એન.આર. મીણા તથા વરિષ્ઠ મંડળ એન્જીનીયર રાજકુમાર ઉ૫સ્થિત રહ્યા હતા.