રાજકોટ, અમરેલી અને કચ્છમાં આજે માવઠાની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ અને સુરતમાં પણ વરસી શકે છે કમોસમી વરસાદ: અંજારમાં બે ઇંચ, ભાવનગરમાં પોણો ઇંચ, લાઠીમાં અર્ધો ઇંચ ખાબક્યો: 24મી સુધી વરસાદી માહોલ યથાવત રહેશે

રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસર તળે રાજ્યમાં છેલ્લા આઠેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ સહિત રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. દરમિયાન અમરેલી, રાજકોટ અને કચ્છ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ અને સુરતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાકનો સત્યાનાશ નિકળી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાત્કાલીક અસરથી સર્વની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં અલગ-અલગ સાત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ અને સુરત ઉપરાંત અમરેલી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં માવઠું પડશે. જ્યારે આવતીકાલે અમરેલી, રાજકોટ, ભાવનગર, કચ્છમાં, ગુરૂવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી અને સુરત ઉપરાંત જામનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી 24મી માર્ચ સુધી રાજ્યમાં માવઠાની અસર ચાલુ રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 11 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભાવનગરમાં 19 મીમી, અમરેલીના લાઠીમાં 13 મીમી, ગારિયાવાર, સાવરકુંડલા, ધોરાજી, મહુવા, બોટાદ, બાયડ, પાલીતાણા અને ઘોઘામાં હળવો વરસાદ પડ્યો હતો.

સતત આઠ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાકનો સફાયો બોલી ગયો છે. જગતાતને પારાવાર નુકશાની વેઠવી પડી છે. હાલ માવઠાથી થયેલી નુકશાનીનો સર્વની કામગીરી ચાલી રહી છે.

ગ્લોબલ વોર્મિંગને લઇ ખતરે કી ઘંટી : વાતાવરણમાં સતત બદલાવ,  દરિયાઈ સ્તર ઊંચું આવવાના કારણે આવતા 20 વર્ષમાં વિશ્વમાં 1.5 ડિગ્રી તાપમાન વધી જશે

ગ્લોબલ વોર્મિંગ ને લઇ ખતરે કી ઘંટી જોવા મળી રહી છે કારણ કે જે રીતે વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે અને દરિયાઈ સ્તર ઊંચું જોવા મળી રહ્યું છે તેનાથી સમગ્ર વિશ્વમાં દોઢ ડિગ્રી તાપમાનમાં વધારો આવે તેવો ભય જોવા મળ્યો છે. અભ્યાસ મુજબ, જો ઉત્સર્જન આગામી કેટલાક દાયકાઓમાં વધુ રહેશે, તો આ સદીના મધ્ય સુધીમાં પૃથ્વી પૂર્વ-ઔદ્યોગિક સમય કરતાં સરેરાશ બે ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ રહેવાનો અંદાજ છે. ઉપરાંત, તે 2060 સુધીમાં તે મર્યાદા સુધી પહોંચવાની અપેક્ષા છે.  પૃથ્વી પહેલેથી જ ગરમ થઈ રહી છે અને જો ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવામાં બીજી અડધી સદી લાગે તો તે બે ડિગ્રી સેલ્સિયસને વટાવી જવાનો અંદાજ છે. દરિયાઈ સ્તર ની સાથોસાથ બરફ પણ ઓગળી રહ્યો છે ત્યારે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ની દહેજ સતત જોવા

મળે તો નવાઈ નહીં જેથી દરેક લોકોએ ચેતી જવું એટલું જ આવશ્યક અને જરૂરી છે. કાર્બન ગેસનું ઉત્સર્જન ઓછું કરવામાં નહીં આવે તો આવી ગરમી ચાલુ રહેશે અને પરિસ્થિતિ દર વર્ષે વધુ ખરાબ થતી જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વધતા તાપમાનથી દુનિયાના 58 ટકાને અસર થશે અને સતત ગરમીના જૂના રેકોર્ડ તૂટી જશે. રિપોર્ટ અનુસાર, આકાશમાંથી વરસી રહેલી આગની સૌથી વધુ અસર પછાત દેશોને થશે. વૈજ્ઞાનિકોના મતે આ સદીના અંત સુધીમાં આવું થવાનું શરૂ થઈ જશે. સરકાર પણ કાર્બન એમિસનને શૂન્ય કરવા માટે વર્ષ 2070 સુધીનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.