ગુજરાતમાં આ વખતે મે મહિનાના મોટાભાગના દિવસોમાં કાળઝાળ ગરમીને વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ રહ્યો છે. સૌરાષ્ટ્ર તરફથી એક સિસ્ટમ પસાર થતી હોવાથી ગુજરાતમાં બે દિવસ ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સોમવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી તે મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં પાણી ભરાયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.
ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી બે દિવસ થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી :
હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે (13મી મે) રાજ્યના અનેક ભાગમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 14મી મેના રોજ કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ગતિથી પવન ફૂંકાવાની આગાહી છે.
15મી મેના રોજ અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં શુષ્ક હવામાન રહેશે.
મળતી માહિતી દરમિયાન, આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદ શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય જોવા મળ્યું છે. તેમજ આજે 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત આગામી 7 દિવસ દરમિયાન 3-5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે.