Abtak Media Google News

અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી: તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું: માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેતરોમાં તૈયાર થઇ ગયેલા પાકને વ્યાપક નુકશાની થઇ રહી છે. દરમિયાન આજે પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ માવઠાની આગાહી આપવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી વાદળર્છાંયુ વાતાવરણ છવાયેલું છે. આકાશમાં વાદળોનું આવરણ છવાતા ઠંડીનું જોર ઘટી ગયું છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર ગોવાથી 600 કિ.મી. દુર અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘઉં, ચણા, મકાઇ સહિતના પાકોને વ્યાપક નુકશાની થવા પામી છે. સોરઠ પંથકમાં આંબા પર બેઠેલા કેરીના મોર પણ ખરી ગયા છે. ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાય ગયો છે. ડિપ્રેશનની અસર તળે આજે પણ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી વાદળર્છાંયુ વાતાવરણ છવાયેલું છે.

રાજ્યના મોટાભાગના બંદરો પર 1-નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહિસાગર, અરવલ્લી, વડોદરા અને છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

આકાશમાં વાદળોનું આવરણ છવાતા ઠંડીનું જોર ઘટી ગયું છે. રાજકોટ શહેરમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 21 ડિગ્રી સેલ્શીયસે પહોંચી જવા પામ્યો છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં માવઠાની શક્યતા છે. રવિવારથી વાતાવરણ ક્લિયર થઇ જશે. ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહથી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો દોર શરૂ થશે.

જાફરાબાદ, પીપાવાવ, જામનગર, મોરબીના નવલખી બંદરે 1-નંબરનું ભય સુચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે ભારે પવન સાથે દરિયો તોફાની બને તેવી સંભાવના રહેલી હોય માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે. અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી, અમરેલીનું તાપમાન 21.8 ડિગ્રી, બરોડાનું તાપમાન 22.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 22.9 ડિગ્રી, ભૂજનું તાપમાન 16.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 14.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 22 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 17.9 ડિગ્રી, કંડલાનું તાપમાન 18.9 ડિગ્રી, નલીયાનું તાપમાન 14.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 23.6 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 24.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 21 ડિગ્રી, સુરતનું તાપમાન 22.6 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 23.8 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.