વરસ પાકી ગયું: સૌરાષ્ટ્રમાં 100 ટકાથી વધુ વરસાદ

રાજ્યના 219 તાલુકાઓમાં મેઘમહેર: સિઝનનો 109.48 ટકા વરસાદ: તમામ જળાશયો છલકાયા: ખેડૂતો રાજી-રાજી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા આ વર્ષ જગતાત માટે સોળ આનીથી પણ સવાયુ સાબિત થશે. ખરીફ પાકના મબલખ ઉતારા ઉતરશે પણ હવે રવિ પાકનું પણ ઉજળુ ચિત્ર ઉપસી રહ્યું છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 250 તાલુકાઓ પૈકી 219 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. હજી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સવારથી રાજ્યના 20 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

સોમવારે પણ સૌરાષ્ટ્રમાં મેઘકૃપા રહેવા પામી હતી. મહુવા, અમરેલી, કુતિયાણામાં પાંચ ઇંચ, વિસાવદર, મેંદરડામાં ચાર ઇંચ, લખતર, ભેંસાણ, જૂનાગઢમાં સાડા ત્રણ ઇંચ, ભુજ, વેરાવળ, બાબરા, વડીયામાં ત્રણ ઇંચ, ગારિયાધાર, વંથલી, લીલીયામાં અઢી ઇંચ, લાઠી, પાલીતાણા, ધોરાજી, માણાવદરમાં બે ઇંચ, જેતપુર, રાણાવાવ, સિંહોરમાં પોણા બે ઇંચ, ખાંભા, બગસરા, ગોંડલ, રાજુલા, બોટાદમાં દોઢ ઇંચ, ભચાઉ, વાંકાનેર, ટંકારા, જામકંડોરણા, કોટડા સાંગાણીમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વીંછીયા, પોરબંદર, માળીયા હાટીના, મોરબી, ભાણવડ, માંગરોળ, મુંદ્રા, રાપર, ચુડામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં હળવા ઝાપટા પડ્યા હતાં.

સૌરાષ્ટ્રમાં હવે જૂની કહેવત મુજબ વરસ પાકી ગયુ છે. કારણ કે જગતાતે માંગ્યા મેઘ વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સિઝનનો 100.84 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં મોસમનો 109.48 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 170.47 ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 90.21 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 115.67 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 116.47 ટકા પાણી પડી ગયું છે.

  • વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટમાં અનરાધાર સવા ત્રણ ઇંચ
  • શહેરમાં સિઝનનો 4ર ઇંચ વરસાદ વરસી ગયો: સવારે જોરદાર ઝાપટુ

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સુર્યાસ્ત બાદ મેઘરાજાની તોફાની ઇનીંગ શરુ થઇ જાય છે. વિજળીના ડરામણા કડાકા ભડાકા સાથે ગઇકાલે સોમવારે પણ શહેરમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. રાજ માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તે રીતે પાણી ચાલવા માંડયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં સીઝનનો 4ર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારે પણ શહેરમાં વરસાદનું જોરદાર ઝાપટું પડી ગયું હતું હજી ચાર દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.રાજકોટમાં છેલ્લા ત્રણેક દિવસથી રાત્રિના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી પડે છે. વિજળીના ચમકારા અને કડાકા ભડાકા વચ્ચે અર્ધાથી એક કલાક સુધી મેઘરાજાની તોફાની ઇનીંગ જોવા મળે છે.

100 ફુટ દુરનું પણ જોવું મુશ્કેલ પડે તેવી સુપડાધારે વરસાદ ખાબકે છે દરમિયાન ગઇકાલે સોમવારે રાજકોટમાં વેસ્ટ ઝોન અર્થાત ન્યુ રાજકોટમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જયારે સેન્ટ્રલ ઝોનમાં દોઢ ઇંચ અને ઇસ્ટ વેસ્ટ અર્થાત સામા કાંઠા વિસ્તારમાં સવા ઇંચ વરસાદ પડયો હતો. આજ સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 40 ઇંચ, વેસ્ટ ઝોન વિસ્તારમાં 38 ઇંચ, અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 3ર ઇંચ વરસાદ વરસી ગયો છે. હવામાન ખાતાના રેકોર્ડ પર રાજકોટમાં 81.6મી.મી એટલે કે સવાત્રણ  ઇંચ વરસાદ  હોવાનું નોંધાયું છે. શહેરમાં કુલ 4ર ઇંચ જેટલો વરસાદ વર્ષી ગયો છે. આજે સવારે પણ શહેરમાં વરસાદનું જોરદાર ઝપાટુ વરસી ગયું હતું. હજી ચાર દિવસ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

  • સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી

સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં ઓરેન્જ એલર્ટ અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ચાર દિવસ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર અને જિલ્લાના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આણંદ અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુરૂવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.તો શુક્રવારે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે

સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ

મહુવા               પાંચ ઇંચ

અમરેલી             પાંચ ઇંચ

કુતિયાણા          પાંચ ઇંચ

વિસાવદર          4 ઇંચ

મેંદરડા               4 ઇંચ

લખતર              3॥ ઇંચ

ભેંસાણ              3॥ ઇંચ

જૂનાગઢ            3॥ ઇંચ

ભૂજ                  3 ઇંચ

વેરાવળ             3 ઇંચ

બાબરા             3 ઇંચ

વડિયા               2॥ ઇંચ

ગારિયાધાર        2॥ ઇંચ

રાજકોટ             2॥ ઇંચ

વંથલી               2॥ ઇંચ

લીલીયા             2॥ ઇંચ

લાઠી                 2 ઇંચ

પાલીતાણા        2 ઇંચ

ધોરાજી              2 ઇંચ

માણાવદર          2 ઇંચ

જેતપુર               2 ઇંચ

રાણાવાવ          1॥। ઇંચ

સિંહોર               1॥ ઇંચ

ખાંભા               1॥ ઇંચ

બગસરા            1॥ ઇંચ

ગોંડલ                1 ॥ ઇંચ

રાજુલા              1॥ ઇંચ

ધારી                 1॥ ઇંચ

બોટાદ              1॥ ઇંચ

ભચાઉ               1॥ ઇંચ

વાંકાનેર             1॥ ઇંચ