Abtak Media Google News

રાજીવ સાતવનું મેં માસમાં નિધન થયા બાદ ખાલી પડ્યુ હતુ ગુજરાતના પ્રભારીનું સ્થાન: વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ આરંભી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે એક વર્ષ જેટલો સમયગાળો બાકી રહ્યો છે રાજ્યમાં છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમય કરતા સત્તા વિહોણી રહેલી કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગત મે માસમાં રાજીવ સાતવજીના નિધન બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની જગ્યા ખાલી પડી હતી. જેના સ્થાને હાઈ કમાન્ડ દ્વારા રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સંગઠન માળખાના અભાવે કોંગ્રેસને ગુજરાતમાં ધારી સફળતા મળતી નથી. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા વિહોણી છે. સતત પરાજય બાદ પણ પક્ષની કથળતી હાલત માટે ચિંતા કરવાની વાત દૂર રહી કોંગ્રેસ ચિંતન પણ કરતુ નથી. જેના કારણે દર વખતે પરાજયનો ઘા વધતો જાય છે. ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો.

તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને પાલિકા-પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કળ ન વળે તેવી હાર મળી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે એક વર્ષનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે કાર્યકરોમાં નવા ઉત્સાહનું સંચાર કરવાના ઉમદા આશ્રય સાથે હાઈ કમાન્ડ દ્વારા રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓને દાદરા નગર હવેલીના પ્રભારી તરીકેનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

રઘુ શર્માની ગણના એક કાબેલ નેતા તરીકે થાય છે. ચૂંટણી જીતવા માટેની રણનીતિ તૈયાર કરવામાં માહિર માનવામાં આવે છે. ગઈકાલે મોડી સાંજે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા તેઓની ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેઓ ગુજરાતની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વ કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંક્વા માટે “રઘુ” રામ બનવું પડશે. તેઓને સોંપવામાં આવેલી જવાબદારી ખૂબજ મોટી છે.

વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીના હોમ ટાઉનમાં ભાજપને બરાબરની ટક્કર આપવા માટે તેઓએ કોઈપણ ભોગે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવી પડશે. સાથો સાથ એક વર્ષનો ટૂંકો ગાળો બચ્યો હોવા છતાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં પક્ષને કેવી રીતે વધુ સફળતા મળી શકે તે માટેના સોગઠા ગોઠવવા પડશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષને મળેલી ઘોર નિષ્ફળતા બાદ હાલ કાર્યકરોનો ઉત્સાહ સાવ તળીયે બેસી ગયો છે. કાર્યકરોમાં ફરીથી નવા ઉત્સાહનું સંચાર કરવું રઘુ શર્મા માટે પ્રથમ પડકાર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.