Abtak Media Google News

અબતક, રાજકોટ

ફાયર એનઓસી વિના ધમધમતી એક શાળા અને ચાર ગોડાઉનને કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં હોસ્પિટલો સીલ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

નવલનગરમાં વિદ્યાનિકુંજ પ્રાઈમરી સ્કૂલ, બાપુનગરમાં જય બાલાજી ફર્નીચર, ગુડવીલ ટ્રેડર્સ,શુભાષ વુડન ક્રેપ અને ઢેબર રોડ પર ગીરીરાજ એજન્સીના ગોડાઉનને તાળા લગાવી દેતી મહાપાલિકા 

આ અંગે કોર્પોરેશનના વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના નવલનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનિકુંજ પ્રાઈમરી સ્કૂલને ફાયર એનઓસી મેળવી લેવા માટે અનેકવાર તાકીદ કરવામાં આવી હોવા છતાં ફાયર એનઓસી ન વસાવવા માટે તેને સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બાપુનગર મેઈન રોડ પર જય બાલાજી ફર્નીચર, ગુડવીલ ટ્રેડર્સ અને સુભાષ વુડન ક્રેપના પણ તાળા મારી દેવામાં આવ્યા છે.

ઢેબર રોડ પર ગીરીરાજ એજન્સીના ગોડાઉનને સીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કુલ 580 શાળાઓ આવેલી છે. જે પૈકી 425 શાળાઓના બિલ્ડીંગની ઉંચાઈ 9 મીટરથી ઓછી હોય તેઓએ ફાયર એનઓસી લેવાની આવશ્યકતા રહેતી નથી. બાકીની 150 જેટલી શાળાઓએ ફાયર એનઓસીના સાધન વસાવી લીધા છે. બાકી રહેતી શાળાઓને હવે તાકીદ કરવામાં આવશે ત્યારબાદ શીલીંગ સહિતની કામગીરી હાથ ધરાશે. શહેરમાં 64 હોટલ અને રેસ્ટોરન્ટને ફાયર એનઓસી માટે નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 22 ગોડાઉનને પણ ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.