રાજકોટ: મેયર, ડે.મેયર અને સ્ટે.ચેરમેન પદ માટે 17 મજબૂત દાવેદારો

વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત 11મી સપ્ટેમ્બરે પૂર્ણ: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા હોદેદારોની નિયુક્તી કરાશે

રાજકોટ મહાનગર પાલિકાના મેયર, ડે.મેયર, શાસક પક્ષના નેતા, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન અને શાસક પક્ષના દંડક સહિતના તમામ પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ આગામી 11મી સપ્ટેમ્બરે પૂર્ણ થઇ રહી છે. મેયર, ડેપ્યૂટી મેયર અને ખડી સમિતિના ચેરમેન એમ મુખ્ય ત્રણ પદો માટે ભાજપમાં હાલ 17 મજબૂત દાવેદારો છે. 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની હોય જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી નવા હોદ્ેદારોની નિયુક્ત કરવામાં આવશે.

રાજકોટ મહાનગર પાલિકામાં વર્તમાન ટર્મ ગત 12 માર્ચ-2021ના રોજ અસ્તિત્વમાં આવી હતી. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર તરીકે ડો.પ્રદિપ ડવ, ડે.મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઇ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિયુક્તી કરવામાં આવી હતી. વર્તમાન પદાધિકારીઓની મુદ્ત આગામી 11મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. હજી સાત મહિનાનો સમય બાકી રહ્યો છે.

નવા પદાધિકારીઓ માટે અત્યારથી જ અનેક નામોની ચર્ચાઓ થવા લાગી છે. મેયર પદ માટે હવે અઢી વર્ષની ટર્મ મહિલા અનામત હોય હાલ શહેરના પ્રથમ નાગરિક બનવા માટે સૌથી પ્રબળ દાવેદાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગાયનેક ડો.દર્શનાબેન પંડ્યાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો મેયર પદ પાટીદાર સમાજને આપવાનું નક્કી કરાય તો જ્યોત્સનાબેન ટિલાળાનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ ઉપરાંત ભારતીબેન પરસાણા, નયનાબેન પેઢડીયા, વર્ષાબેન રાણપરા અને કિર્તીબા રાણાનું નામ પણ ચર્ચાય રહ્યું છે.

ડેપ્યૂટી મેયર પદ માટે ડો.અલ્પેશભાઇ મોરઝરિયા, ભાવેશભાઇ દેથરિયા, નિરૂભા વાઘેલા, નીતિનભાઇ રામાણી અને સંજયસિંહ રાણાના નામો ચર્ચાય રહ્યાં છે. કોર્પોરેશનમાં સૌથી પાવર ફૂલ એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે સિનિયર કોર્પોરેટર મનિષભાઇ રાડીયા અને દેવાંગભાઇ માંકડને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત કેતનભાઇ પટેલ, જયમીનભાઇ ઠાકર, નેહલભાઇ શુક્લ અને અશ્ર્વિનભાઇ પાંભરનું નામ ચર્ચામાં છે.

શાસક પક્ષના નેતા તરીકે પણ ચાર નામો હાલ ચર્ચાય રહ્યાં છે. જેમાં મહાપાલિકામાં હાલ શાસક પક્ષના દંડક તરીકેની જવાબદારી નિભાવતા સુરેન્દ્રસિંહ વાળાને પ્રમોશન આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. શાસક પક્ષના નેતા તરીકે સુરૂભાનું નામ મજબૂત દાવેદાર તરીકે મનાય છે. આ ઉપરાંત નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), દેવુબેન જાદવ અને રણજીત સાગઠીયાના નામો પણ ચર્ચામાં છે. પાંચમુ એવુ દંડકનું પદ માત્ર એક કોર્પોરેટરને સાચવી લેવામાં આવે છે. 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની હોવાથી જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે. જો મેયર પદ બ્રાહ્મણને આપવામાં આવશે તો ચેરમેન પદ ફરી એકવાર પાટીદાર સમાજને આપશે. જો મેયર પદ પાટીદાર સમાજને અપાશે તો ચેરમેન પદ બ્રાહ્મણ, રઘુવંશી સમાજને આપવામાં આવશે. તેવું મનાય રહ્યું છે.