રાજકોટ 182 બેઠકો ઉપર મુરતિયા શોધવા ભાજપે લીધી સેન્સ

ત્રણ દિવસની નિરીક્ષકોની કવાયત બાદ વિવિધ બેઠકો ઉપરના દાવેદારોના નામની યાદી તૈયાર, હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરશે

વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે ભાજપે મુરતિયા શોધવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ત્રણ દિવસની કવાયત બાદ નિરીક્ષકોએ મુરતિયાઓના નામની યાદી તૈયાર કરી લીધી છે.

તેના આધારે હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરશે. વિધાનસભાની ચૂંટણી આગામી 1 નવેમ્બરના રોજ જાહેર થાય તેવી શકયતા સેવાઈ રહી છે. જેને પગલે હવે ભાજપે ચુંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.

ભાજપ દ્વારા ત્રણ દિવસ સેન્સ પ્રક્રિયા ચલાવવામાં આવી છે. આ અગાઉ ભાજપે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી. આ નિરીક્ષકોએ 182 વિધાનસભા બેઠકોમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં વિવિધ આગેવાનોને સાંભળીને દાવેદારોની યાદી તૈયાર કરી હતી.

જો કે તમામ બેઠકોમાં ધાર્યા કરતાં વધુ મુરતિયાના નામો સામે આવ્યા હતા. નિરીક્ષકોએ તમામ વિધાનસભા બેઠકો વાઇઝ મુરતિયા એટલે કે દાવેદારોની યાદી તૈયાર કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સોંપી દીધી છે. હવે આગામી સમયમાં કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ ઉમેદવારો નક્કી કરી તેની ક્રમશ: યાદી જાહેર કરશે.