Abtak Media Google News
રાજકોટમાં ગઇ કાલે સમી સાંજે ભૂગર્ભ ગટરની સફાઈ કરતી વેળાએ ગેસ ગળતરના કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા ચકચારી મચી જવા પામી છે. જેમાં સફાઈ કામદારને સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં ગટર સાફ કરવા અંદર ઉતાર્યો કે તે સફાઈ કરતી વેળાએ ગટરમાં પડી ગયો તે સૌથી મોટો પ્રશ્ન હાલ ઉઠી રહ્યો છે. તો બીજી તરફ સફાઈ કામદાર ગટરમાં પડી જતાની સાથે કોન્ટ્રાકટર તેને બચાવવા દોરી લઈને કૂદી ગયો હતો પરંતુ ગેસ ગળતરના કારણે બંને લોકોના મૃતદેહ જ બહાર નીકળ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૩માં મવડી વિસ્તારમાં આવેલ સમ્રાટ વિસ્તારમાં મોમાઇ હોટેલ નજીક ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ હોવાની કામગીરી ચાલુ હતી. જેથી દૂધ સાગર રોડ પર આવેલી મસ્જિદની પાછળ રહેતા કોન્ટ્રાકટર અફઝલભાઈ ઇસ્માઇલભાઇ ફુફર (ઉ.વ.૪૨) અને નાના મૌવા પાસે રહેતા મજુર મેહુલ કાલિદાસ મેસડા (ઉ.વ.૨૪) તેમજ અન્ય મજૂરો કામ કરતા હતા. ગટરનું ઢાંકણું ખોલતા ધૂળ અને પત્થરના કારણે મજુર અંદર પડી જતા ગેસ ગળતરના કારણે બેભાન થઇ ગયો હતો. જેની જાણ પાસે ઉભેલા કોન્ટ્રાકટર અફઝલ ફુફરને થતા તેઓ પોતાનું કામ મૂકીને તેમના મજુર મેહુલને બચાવવા દોરી લઈને અંદર કૂદી પડ્યા હતા. પરંતુ બંને યુવાનોને ઝેરી અસર થતાં બંનેના મોત નીપજ્યા હતા.

આ અંગે ફાયર વિભાગને જાણ થતાં મવડી ફાયર વિભાગના જવાનો તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને સફાઈ કામદાર તથા કોન્ટ્રાકટરને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મેહુલ મેસડા અને અફઝલ ફુફરને મૃત જાહેર કરતા ચકચારી મચી ગઇ હતી. તો બીજી તરફ આ અંગે જાણ થતાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. મૃતક મેહુલ મેસડાની સગાઈ થઈ ગઈ હોય અને આગામી મે માસમાં તેના લગ્ન હોવાનું જાણવા મળ્યું છે.

સફાઈ કામદારને ગટર સાફ કરવા ઉતાર્યો કે પછી પડી ગયો ? બચાવવા જતા કોન્ટ્રાકટરનું પણ મોત

તો બીજી તરફ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે ગટર સાફ કરવા ગયેલી ટીમના કામદાર મેહુલ મેસડાને ગટરની અંદર ઉતારવામાં આવ્યો હતો. જેને ગૂંગળામણ થતા તેનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે ગટરનું ઢાંકણું ખોલતાની સાથે જ મેહુલને ઝેરી અસર થઈ હતી અને તે સીધો ગટરની અંદર ખાબક્યો હતો જેથી તેનું મોત થયું હતું. તો બીજી તરફ કામદાર મેહૂલને બચાવવા માટે કોન્ટ્રાકટર અફઝલ દોરી સાથે ગટરમાં કૂદી ગયો હતો. જેના કારણે બંનેના કરુણ મોત નિપજ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને સેન્ટ્રલ ઝોન સિટી ઇજનેર એચ.એન.કોટકે જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે ભૂગર્ભ ગટરમાં અંદર ઉતરવા મનાઈ જ હોય છે પરંતુ આમ છતાં શું કારણ બન્યું તે અંગે તપાસ કરવામાં આવશે. બનાવ સ્થળ પર રીક્ષા સહીત મશીનરી પણ ઉપલબ્ધ હતી. કોન્ટ્રાકટર ખુદ મશીનથી કામ કરતા હતા. જો કે, આમ છતાં બનાવ કેમ બન્યો એ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.”

ભુગર્ભ ગટર સાફ કરતી વેળાએ મોતને ભેટેલા મૃતકોને સહાય આપવા વિપક્ષી નેતાની માંગ

ભૂગર્ભ ગટરમાં કામ કરવા સમયે સફાઈ કામદાર અને કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થયું છે એ પગલે મૃતકના પરિવારને આર્થિક વળતર, નોકરી અને રહેઠાણ માટે આવાસ ફાળવવાની માંગ સાથે વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી ધરણાં પર બેસી ગયા હતાં.

મવડી વિસ્તારમાં ગટર સાફ કરવા જતા  મેહુલ કાલીદાસભાઈ મેસડા અને અફઝલભાઈ ઈસ્માઈલભાઈ ખફર બે નિર્દોષના કરૂણ મોત થયા છે જે અત્યંત દુ:ખદ બનાવ બનેલ છે. વિપક્ષી નેતાને બનાવની જાણ થતા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ બનાવમાં ભોગ બનનારને આર્થિક વળતર, પરિવારના સભ્યને નોકરી તથા કાયમી રહેઠાણ માટે આવાસ ફાળવવા માંગ કરીએ છીએ.

આ બનાવની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ બથવાર, રાજકોટ શહેર કોંગ્રેસ એસ.સી. વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી, નારણભાઈ પુરબીયા, જગદીશ સાગઠીયા, હેમંત સોઢા, સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયેલ હતા.

સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ગટરમાં કામદારને ઉતારવા મનાઈ
સન ૨૦૧૪માં સુપ્રિમ કોર્ટના અધિનિયમ મુજબ ગટરમાં સફાઈ કામગીરી માટે સફાઈ કામદારને ભૂગર્ભ ગટરમાં ઉતારવા માટે મનાઈ હુકમ ફરમાવામાં આવ્યો છે. તેમજ રાજ્ય સરકારે પણ ૧૧-૭-૨૦૧૯ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી આઉટ સોર્સિંગથી કરવામાં આવતી હોય તો એજન્સીના બિલની ચુકવણી કરતા પહેલા અધિકૃત કરાયેલા અધિકારી કે કર્મચારીની ઉપસ્થિતિ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.